ગાંધીનગર: નળસરોવર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા ગુજરાત સરકાર અને Japan International Cooperation Agency (JICA)ના સહયોગથી નવી પહેલ હાથ ધરવામાં આવી છે. Project for Eco-Restoration in Gujarat (PERG) હેઠળ નળસરોવર નજીકના 14 ગામોમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થિત સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ પહેલથી પર્યાવરણ રક્ષણ સાથે સ્થાનિકોને રોજગારીની તકો પણ ઊભી થવાની છે.

નળસરોવર ગુજરાતનું 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું મહત્વનું વેટલેન્ડ અને પક્ષી અભયારણ્ય છે. શિયાળામાં અહીં મધ્ય એશિયા, સાઇબેરિયા અને યુરોપ સુધીના વિસ્તારોમાંથી પ્રવાસી પક્ષીઓ આવે છે. અભયારણ્યની સીમા બહારના ગામોમાંથી પ્લાસ્ટિક કચરો જળાશય અને આસપાસના પર્યાવરણ માટે જોખમ ઊભું કરતો હોવાથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કચરાના સંગ્રહથી સ્થાનિક રોજગાર

રૂ. 2.94 કરોડના આ પ્રોજેક્ટ હેઠળ આસપાસના ગામોના રહેવાસીઓ પ્લાસ્ટિક કચરો એકત્ર કરી વન વિભાગના નિર્ધારિત કેન્દ્ર સુધી પહોંચાડશે. ત્યાં કચરાને શ્રેડ કરીને રિસાયક્લિંગ માટે બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલી કંપનીને વેચવામાં આવશે. કચરો એકત્ર કરનારા સ્થાનિકોને વન વિભાગ દ્વારા વળતર ચૂકવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દર હાલના બજારભાવ કરતાં વધારે રાખવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાયલા ગામમાં પ્લાસ્ટિક કચરા માટેનું સમર્પિત સંગ્રહ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના વેકરિયા, કાયલા, શાહપુર, ધારજી અને મેની સહિતનાં ગામો ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના નાની કાઠેચી અને રાણાગઢ જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

ગામોમાં કચરાપેટીઓ મૂકવામાં આવશે અને ‘ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓ’ દ્વારા ‘સ્વચ્છતા પ્રહરી’ તરીકે સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવશે. તેઓ લોકોને સૂકો પ્લાસ્ટિક કચરો અલગ કરીને યોગ્ય રીતે જમા કરાવવા પ્રોત્સાહિત કરશે. આ વ્યવસ્થાથી નળસરોવરમાં પહોંચતા પ્લાસ્ટિકના પ્રમાણમાં ઘટાડો લાવવાનો અને તેની જૈવવિવિધતાનું રક્ષણ કરવાનો હેતુ છે.