ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર 3 ઓક્ટોબરની સાંજે થયેલી આશરે ₹4 કરોડના સોનાની લૂંટનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને 2.90 કિલો સોનું, લૂંટમાં વપરાયેલી ટાટા ટિયાગો અને મારુતિ બલેનો સહિત 100 ટકા મુદ્દામાલ કબજે કર્યો છે.

લૂંટ સાંજે આશરે 5 વાગ્યે નડિયાદ રેલવે સ્ટેશન પર થઈ હતી. કોલકાતાની ‘ગ્રો મોર બુલિયન’ કંપનીનો કર્મચારી સોનાનો જથ્થો લઈને સ્ટેશન પર પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપીઓ તેની સોનાથી ભરેલી બેગ ઝૂંટવીને કારમાં ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ તરત જ કારની વિગતો રેલવે પોલીસને આપી હતી.

સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચ્યા

રેલવે પોલીસે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને શંકાસ્પદ વાહનની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને મોકલી હતી. આ માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ સુધી પહોંચ્યા બાદ નેશનલ અને સ્ટેટ હાઈવે પર નાકાબંધી ગોઠવવામાં આવી. પોલીસ ટીમોએ સીસીટીવી, મોબાઈલ CDR/SDR અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ બલેનો કારને અટકાવી એક આરોપીને ઝડપી લીધો હતો.

પ્રાથમિક રીતે બલેનો કારમાંથી સોનું મળ્યું નહોતું. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું કે લૂંટાયેલો જથ્થો બીજી ટિયાગો કારમાં લઈ જવાઈ રહ્યો હતો. ત્યારબાદ વિરમગામ તરફ પોલીસની નાકાબંધી વધુ મજબૂત કરવામાં આવી.

વિરમગામ પાસે ચાલુ કાર રોકી આરોપીઓની ધરપકડ

નીલકી ગામ નજીક ટિયાગો કાર દેખાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારમાં સવાર આરોપીઓએ ઝડપ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પીઆઈ એસ.એ. ગઢવીએ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓ કાર દોડાવતા રહ્યા અને તેમને આશરે 500 મીટર સુધી ઢસડ્યા હોવા છતાં ગઢવી કારની અંદર પહોંચ્યા અને હેન્ડબ્રેક ખેંચીને વાહન રોકવામાં સફળ રહ્યા.

પોલીસની અન્ય ટીમે તરત જ કારને ઘેરી લઈને તેમાં સવાર આરોપીઓને ઝડપી લીધા. તપાસ દરમિયાન કારની સીટ કવર નીચે છુપાવેલું 2.90 કિલો સોનું મળી આવ્યું. બંને વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પૂર્વ કર્મચારી પર કાવતરું ઘડ્યાનો આરોપ

પોલીસ તપાસમાં સાવન ચૌધરી નામનો આરોપી અગાઉ ‘ગ્રો મોર બુલિયન’ કંપનીમાં નોકરી કરતો હતો અને કંપનીના સોનાની હેરાફેરીના રૂટ તથા કામગીરીથી પરિચિત હતો તેવું સામે આવ્યું છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ, તેણે ચાર મહિના પહેલાં સાગરીતો સાથે મળીને લૂંટનું કાવતરું ઘડ્યું હતું. ફરિયાદી તેને ઓળખતો હોવાથી સાવન ઘટનાસ્થળે ગયો નહોતો અને બહારથી સાગરીતોને માહિતી આપતો હતો તેવો પોલીસનો દાવો છે.

આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB, વિરમગામ ટાઉન પોલીસ અને પશ્ચિમ રેલવે પોલીસની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી છે. આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.