નડિયાદ રેલવે સ્ટેશન પર વેપારી પાસેથી ₹3.70 કરોડની કિંમતનું 2.7 કિલો સોનું લૂંટવાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. અમદાવાદ ગ્રામ્ય LCB, વિરમગામ ટાઉન, માંડલ અને પશ્ચિમ રેલવે પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ચાર આરોપીઓને વિરમગામ નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટ બાદ આશરે ત્રણ કલાકમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

ઘટના 3 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે આશરે 1 વાગ્યે નડિયાદ રેલવે સ્ટેશન પર બની હતી. ‘ગ્રો મોર બુલિયન્સ’ કંપનીમાં કામ કરતા ભરત ચૌધરી કોલકાતાથી 2.7 કિલો સોનાની ચેન લઈને નડિયાદ પહોંચ્યા હતા. તેઓ ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ ચાર શખ્સો સોનું આંચકીને કારમાં ફરાર થયા હતા. ફરિયાદીએ સમયસૂચકતા દાખવી આરોપીઓની કારનો ફોટો પાડ્યો અને રેલવે પોલીસને જાણ કરી હતી.

50થી વધુ પોલીસકર્મીઓએ નાકાબંધી ગોઠવી

માહિતી મળતાં જ સ્ટેટ કંટ્રોલ રૂમ મારફતે વિવિધ પોલીસ ટીમોને એલર્ટ કરવામાં આવી હતી. 50થી વધુ પોલીસકર્મીઓએ આરોપીઓના સંભવિત ભાગવાના માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી. LCBની ટીમે બાતમીના આધારે કારને ટ્રેસ કરી અને ખોરજ નજીક હાઇવે પર નંબર વગરની કાર અટકાવી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, તેની પૂછપરછ બાદ નીલકી ગામ નજીક બીજી કારને રોકવાનો પ્રયાસ થયો હતો. આરોપીઓએ કાર રિવર્સમાં લઈને પોલીસના વાહનને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે વિરમગામ ટાઉન પોલીસ મથકના PI એસ. એ. ગઢવીએ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ કાર દોડાવતા તેઓ લગભગ 500 મીટર સુધી ઢસડાયા હતા. ત્યારબાદ PI ગઢવી કારની અંદર પ્રવેશી ઇમરજન્સી બ્રેક લગાવી અને વાહન રોકવામાં સફળ રહ્યા હતા.

પૂર્વ કર્મચારી હોવાનો પોલીસનો દાવો

પોલીસ તપાસમાં સાવન ચૌધરીનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું હોવાનું જણાવાયું છે. તે અગાઉ ફરિયાદીની કંપનીમાં નોકરી કરતો હતો. તેથી તેને ફરિયાદીની મુસાફરી, ટ્રેન, બોગી અને સોનાની હેરફેર અંગે જાણકારી હતી. નોકરી છોડ્યા બાદ તે દિયોદરમાં પાન પાર્લર ચલાવતો હતો અને અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને છેલ્લા ચાર મહિનાથી લૂંટનું આયોજન કરતો હોવાનો પોલીસનો દાવો છે. ઘટનાના દિવસે ટ્રેનનું ઓનલાઈન લોકેશન ટ્રેક કરીને રેકી કરવામાં આવી હતી.

પોલીસે ચારેય આરોપીઓ પાસેથી લૂંટાયેલું સોનું, પાંચ મોબાઇલ ફોન, રોકડ રકમ અને બે કાર સહિત કુલ ₹3,76,69,751નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે. આરોપીઓ અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ માટે વેસ્ટર્ન રેલવે GRPને સોંપવામાં આવ્યા છે.