નડિયાદ રેલવે સ્ટેશન પર સોનાની ચેઇન ભરેલી બેગની થયેલી કરોડોની લૂંટનો પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી લીધા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને GRPની સંયુક્ત કામગીરીમાં આરોપીઓ વિરમગામ નજીકથી પકડાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટનો મુદ્દામાલ લઈ ભાગી રહેલા આરોપીઓને રોકવા દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના PI એસ. એ. ગઢવીએ જોખમ ખેડીને કાર કબજે કરી હતી.

પોલીસે ચારેય આરોપીઓ પાસેથી કુલ રૂ. 3,76,69,751નો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું જણાવાયું છે. તેમાં લૂંટાયેલું સોનું, રોકડ, મોબાઇલ ફોન અને બે વાહનોનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ સ્ટેશન પરથી બેગ લૂંટીને ફરાર

ગ્રો મોર બુલિયન કંપનીના કર્મચારી ભરત ચૌધરી કોલકાતાથી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે નડિયાદ પહોંચ્યા હતા. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પરથી બહાર નીકળતી વખતે અજાણ્યા શખ્સોએ તેમની પાસેથી સોનાની ચેઇન ભરેલી બેગ ઝૂંટવી કારમાં ફરાર થઈ ગયા હતા.

ભોગ બનનાર વ્યક્તિએ સમયસૂચકતા દાખવી આરોપીઓની કારનો ફોટો પાડી લીધો હતો. ખેડા GRPએ CCTV ફૂટેજ તપાસીને શંકાસ્પદ વાહન અને આરોપીઓ અંગેની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને આપી હતી. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, LCB અને વિરમગામ પોલીસની ટીમોએ સંભવિત રૂટ પર નાકાબંધી ગોઠવી હતી.

પોલીસે પહેલા એક શંકાસ્પદ વાહન રોકીને સાવન ચૌધરી નામના આરોપીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન લૂંટનો મુદ્દામાલ અન્ય કારમાં સવાર ત્રણ સાથીદારો પાસે હોવાની માહિતી મળી હતી. તેના આધારે પોલીસે વિરમગામ નજીક નિલકી ગામ તરફ વોચ ગોઠવી હતી.

ચાલુ કારમાં PIએ સંભાળ્યું સ્ટિયરિંગ

પોલીસની ટીમે ટિયાગો કારનો પીછો કરતાં આરોપીઓએ વાહન બહુચરાજી તરફ દોડાવ્યું હતું. પોલીસને જોઈને તેમણે કાર રિવર્સમાં લઈ પોલીસના વાહનને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે PI એસ. એ. ગઢવીએ ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો.

આરોપીઓએ કાર ભગાવતા PI ગઢવી આશરે 500 મીટર સુધી રસ્તા પર ઢસડાયા હતા. તેમ છતાં તેમણે કારની અંદર પહોંચીને સ્ટિયરિંગ પર કાબૂ મેળવ્યો અને હેન્ડબ્રેક ખેંચીને વાહન રોક્યું હતું. ત્યારબાદ આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી અને દશરથ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં સાવન ચૌધરી અગાઉ ગ્રો મોર બુલિયન કંપનીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેને સોનાની હેરફેર અને મુસાફરીની માહિતી હોવાનો પોલીસનો દાવો છે. તપાસમાં ચાર મહિના પહેલાં લૂંટનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ અને અન્ય સંડોવણી અંગે તપાસ ચાલુ રાખી છે.