મોરબીમાં બેન્ક ખાતાં મારફતે રૂ. 7,26,20,266ના શંકાસ્પદ વ્યવહારોના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં ખાતાં વાપરવા આપ્યાના આરોપસર પાંચની ધરપકડ કરવામાં આવી છે. બાકીના છ આરોપીઓને શોધવા તપાસ ચાલુ છે.
ફરિયાદ મુજબ, 1 જાન્યુઆરી, 2023થી 27 ડિસેમ્બર, 2025 દરમિયાન વિવિધ બેન્ક ખાતાંમાં આ વ્યવહારો થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, ખાતાંમાં જમા થયેલી રકમ અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કર્યા બાદ ઉપાડવામાં આવી હતી. વ્યવહારો અંગે સમન્વય અને NCCRP પોર્ટલ પર જુદા-જુદા રાજ્યોમાંથી 41 ફરિયાદો નોંધાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ખાતાં વાપરવા બદલ કમિશનની લાલચનો આરોપ
પોલીસ ફરિયાદમાં ચેતન કિશોર પલાણ, રાજુ જોષી અને ભરત બારડ સહિત 11 લોકોનાં નામ છે. ફરિયાદમાં આ ત્રણેયે કાવતરું ઘડી અન્ય લોકોને એજન્ટ બનાવી તેમના બેન્ક ખાતાંનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. મજૂરીકામ કરતા યુવાનોને દરેક રૂ. 1 લાખના વ્યવહાર સામે 1 ટકા કમિશન આપવાની લાલચ અપાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ આરોપોની તપાસ હજી ચાલુ છે.
ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ હિતેશ મોહન પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશીભાઈ વામજા, પ્રકાશ નર્મદાશંકર જોશી અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા છે. આ કેસમાં રૂ. 1,34,53,796ના વ્યવહારોમાંથી આર્થિક લાભ મેળવાયો હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં છે. પોલીસ બાકીના છ આરોપીઓને શોધી રહી છે.
