મોરબીના દલવાડી સર્કલ વિસ્તારમાં કાર પાર્ક કરવા બાબતે થયેલા વિવાદમાં ૩૨ વર્ષના યુવાનનું અપહરણ કરીને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. કેનાલ રોડ પર ઉમા સોસાયટીમાં રહેતા સાગરભાઈ રાયધનભાઈ જારીયાની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ટંકારા તાલુકાના મોટા રામપરના સિધ્ધરાજસિંહ ઝાલા અને તેમના ભાઈ રવિસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ, કોયલી ગામે ખેતીકામ કરતા સાગરભાઈ ૨૦ નવેમ્બરે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે શેરીમાં હતા. ત્યાં આવેલા પાડોશીના ભત્રીજા સિધ્ધરાજસિંહ સાથે કાર પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. સાગરભાઈએ અગાઉ રવિસિંહ સાથે ફોન પર મળવાની વાત કરી હતી.
કારમાં બેસાડીને લઈ ગયા બાદ મારપીટનો આક્ષેપ
સાગરભાઈની ફરિયાદ પ્રમાણે, સિધ્ધરાજસિંહ તેમને પોતાની સફેદ જીપ કમ્પાસ કારમાં બેસાડી શનાળા ચોકી પાસેના છોટાલાલ પંપ ખાતે લઈ ગયા હતા. ત્યાં રવિસિંહ અન્ય એક વ્યક્તિ સાથે હાજર હતા. રવિસિંહે છરી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાથેની વ્યક્તિએ સામે કેમેરા હોવાનું કહેતાં તેઓ કારમાં બેસી ગયા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ત્યારબાદ કાર સામાંકાઠે તરફ લઈ જવામાં આવી હતી. રસ્તામાં ચાલુ કારમાં જ મુક્કા મારવામાં આવ્યા હોવાનું સાગરભાઈએ જણાવ્યું છે. બંને ભાઈઓ તેમને સામાંકાઠે આવેલી ઋષભ સોસાયટીના એક ફ્લેટના પહેલા માળે લઈ ગયા હતા. ત્યાં રવિસિંહે ચામડાના પટ્ટા અને પાણીની મોટી ખાલી પ્લાસ્ટિકની બોટલથી પીઠના ભાગે માર મારી ઈજા પહોંચાડી હોવાનો આરોપ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રે અગિયારેક વાગ્યે બંને ભાઈઓ સાગરભાઈને કારમાં બેસાડીને ઘર તરફ લઈ જતા હતા. રસ્તામાં તેમના મિત્ર મુનાભાઈની કાર રોકીને સાગરભાઈને તેમાં બેસાડ્યા હતા. તેઓ રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઘરે પહોંચ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસ કાર્યવાહી
બીજા દિવસે બપોરે સાગરભાઈ કોયલી ગામે ગયા હતા અને પિતરાઈ ભાઈ તથા કાકા સહિતના પરિવારજનોને બનાવની જાણ કરી હતી. પીઠના ભાગે લાલ ચકામા અને દુખાવો હોવાથી રાત્રે દસ વાગ્યે તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
હોસ્પિટલની એમએલસીના આધારે પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ બીએનએસની કલમ ૧૩૮, ૧૧૫(૨), ૫૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
