મોરબીમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી ખંડણી માગવાના કેસમાં પોલીસે યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પાંચમા આરોપી ભાવેશ મનસુખભાઈ કંઝારિયાને પકડવા કાર્યવાહી ચાલી રહી હોવાનું ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું. કેસ મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રવાપર રોડ પર રહેતા નરેશભાઈ ચુનીલાલ નકુમને કાજલબેન પરમાર નામની યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. આરોપીઓએ નરેશભાઈને રવાપર બોલાવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.

આરોપીઓએ શરૂઆતમાં રૂ. 50 લાખની માગણી કરી હતી અને પછી રૂ. 12 લાખ આપવા દબાણ કર્યું હોવાનું પોલીસનું કહેવું છે. આ કેસમાં કિશનભાઈ ઉર્ફે રાજુભાઈ મુછડીયા, તેજશભાઈ પઢારીયા, ભીમજીભાઈ પરમાર અને કાજલબેન પરમારની ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ કંઝારિયાની શોધખોળ ચાલુ છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.