વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા મોહસીન સુલેમાન મીંઢીને ગોધરાથી ફરી ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં ફરજ દરમિયાન બેદરકારી બદલ રેલવે પોલીસના એક ASI સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.
મોહસીન ગોધરામાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં આરોપી છે. રેલવે પોલીસે ‘બદામ ગેંગ ગોધરા’ સામે ગુનો નોંધ્યા બાદ મોહસીન અને સલીમ ઉર્ફે ચકલી એહમદ સઈદ મેંદાને પકડી રિમાન્ડ મેળવ્યા હતા. મોહસીનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી તે પોલીસ જાપ્તાને ચકમો આપી નીકળી ગયો હતો.
ગોધરા પહોંચ્યા બાદ ઝડપાયો
રેલવે એસપી અભયસિંહ સોનીના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ મોહસીન ગોલ્ડન ચોકડી પહોંચ્યો હતો. ત્યાંથી તે બે વખત ઈકો કારમાં મુસાફરી કરીને ગોધરા ગયો હતો. નશો કરવાની આદતને કારણે તે મિત્રને મળવા પહોંચ્યો હતો, જ્યાં પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે કફ સિરપની પાંચ બોટલ અને ત્યારબાદ મીઠી ચા પીવાથી તેને નશો થતો હતો.
ફરજમાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ગોધરા રેલવે પોલીસના ASI ગિરવતસિંહ કેશરીસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ચંપકસિંહ અને ચિરાગ જીતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કમલેશ નાનુભાઈને પણ સસ્પેન્ડ કરાયા છે. ચારેય સામે વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે.
