મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા સાત મહત્વપૂર્ણ પ્રકલ્પોને સર્વાનુમતે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. નિર્ણયોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પર્યાવરણ મોનિટરિંગ, રમતગમત માટેની સુવિધા, રેલવે ઓવરબ્રિજ, સરકારી જમીનની સુરક્ષા અને મહાનગરપાલિકાની ભરતીમાં દિવ્યાંગ અનામતનો સમાવેશ થાય છે.

જૂની ગટર લાઇનોનો સર્વે અને SCADA મોનિટરિંગ

શહેરમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને 20 વર્ષથી વધુ જૂની ભૂગર્ભ ગટર લાઇનોની ઓળખ કરવામાં આવશે. ત્યાર બાદ તેનો વિગતવાર સર્વે કરીને જરૂરિયાત મુજબ તબક્કાવાર નવી ગટર લાઇનો નાખવાનું આયોજન કરાશે.

મહાનગરપાલિકા હસ્તકના તમામ સીવેજ પમ્પિંગ સ્ટેશન્સનું ઝડપી અને કેન્દ્રિયકૃત મોનિટરિંગ થઈ શકે તે માટે SCADA આધારિત સેન્ટ્રલાઈઝ્ડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

તળાવો, હવાની ગુણવત્તા અને રમતગમત સુવિધા

તળાવોની સ્થિતિ તથા હવાની ગુણવત્તાનું ડિજિટલ ટેકનોલોજીથી મોનિટરિંગ અને વ્યવસ્થાપન કરવા માટે ‘લેક વોચ અને એર વોચ પ્રોજેક્ટ’ અમલી બનાવવાની ભલામણ સ્વીકારવામાં આવી છે.

શહેરના ફ્લાયઓવર નીચેની ખાલી જગ્યાનો ઉપયોગ કરીને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવાશે. આ માટે જરૂરી મંજૂરી મેળવવા તેમજ ડીપીઆર, ડિઝાઇન અને ટેકનિકલ દસ્તાવેજો તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે. દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (જીયુડીએ) સમક્ષ મોકલવામાં આવશે.

રેલવે ઓવરબ્રિજની કામગીરી આગળ વધશે

વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવા પોલીસ હેડક્વાર્ટરથી અમદાવાદ-પાલનપુર હાઇવે પર આવેલા દૂધસાગર ડેરી સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ઝડપી બનાવાશે. બ્રિજના પ્લાન અને ડિઝાઇનને રેલવે વિભાગની મંજૂરી મળી હોવાનું જણાવાયું છે.

હવે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને ગ્રાન્ટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે. રેલવે ડિપોઝિટ સહિતના ખર્ચની દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

જમીન સુરક્ષા અને દિવ્યાંગ અનામત

સરકારી તથા મહાનગરપાલિકા હસ્તકની ઉચ્ચ મૂલ્ય ધરાવતી જમીનો પર અનધિકૃત અતિક્રમણ અટકાવવા ફેન્સિંગ કરવામાં આવશે. આ કામ માટે રાજ્ય સરકાર 75 ટકા સહાય ગ્રાન્ટ આપશે, જ્યારે બાકીના 25 ટકા ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે.

રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા માટે મંજૂર કરાયેલી 319 નવી જગ્યાઓમાંથી મ્યુનિસિપલ સેક્રેટરી, બાગાયત અધિકારી, રમતગમત અધિકારી, મેનેજર (પર્યાવરણ), ટેક્સ ઓફિસર, હિસાબી અધિકારી, બાયોલોજિસ્ટ, ડેઝિગ્નેટેડ ઓફિસર અને પબ્લિક રિલેશન ઓફિસર સહિતની વર્ગ-1, 2 અને 3ની કુલ 9 જગ્યાઓમાં દિવ્યાંગજનો માટે નિયમ મુજબ અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે.