મહેસાણા તાલુકાના દીતાસણ પાટિયા પાસે હાઈવે પર રોડ ઓળંગી રહેલા ભોપાજી માનસંગજી ઠાકોરને અર્ટિગા કારે ટક્કર મારતાં તેમનું મોત થયું હતું. 28 ઓક્ટોબર, 2026ની રાત્રે બનેલા આ અકસ્માત અંગે લાંઘણજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દીતાસણ હાઈવે પરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા 33 વર્ષીય દિલીપજી વિરમજીભાઈ ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના મામા ભોપાજીભાઈ રાત્રે જમ્યા પછી ઘર બહાર આંટો મારવા નીકળ્યા હતા. રાત્રે આશરે સાડા નવ વાગ્યે હાઈવે પર અકસ્માત થયાની જાણ થતાં દિલીપજી પોતાની ગાડી લઈને દીતાસણ પાટિયા પહોંચ્યા હતા.

ત્યાં ભોપાજીભાઈ ગંભીર ઈજાઓ સાથે બેભાન હાલતમાં રોડ પર પડેલા હતા. પિંટુજી રામાજી ઠાકોર અને હિતેશજી વિષ્ણુજી ઠાકોરે તેમને ગાડીમાં બેસાડી મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મેવડ ટોલનાકા સુધી કારનો પીછો કર્યો

ફરિયાદ મુજબ, GJ-01-LT-7257 નંબરની અર્ટિગા અમદાવાદ તરફથી મહેસાણા તરફ જઈ રહી હતી. તેના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી કાર ચલાવી દીતાસણ પાટિયા પાસે રોડ ઓળંગતા ભોપાજીભાઈને ટક્કર મારી હોવાનો આરોપ છે.

અકસાન્ત પછી ચાલક કાર લઈને નીકળી ગયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીના કાકાના દીકરા કાળાજી છગનજી ઠાકોરે કારનો પીછો કર્યો હતો અને મેવડ ટોલનાકા પાસે કારને રોકી હતી.

લાંઘણજ પોલીસે હોસ્પિટલ તરફથી મળેલી જાણ અને દિલીપજીની ફરિયાદના આધારે કારચાલક સામે અકસ્માત સર્જીને નાસી જવા અંગે ગુનો નોંધ્યો છે. અકસ્માતના સંજોગો અંગે પોલીસની વધુ તપાસ ચાલુ છે.