મહેસાણા-રાધનપુર હાઈવે પર ડી-માર્ટ સર્કલ નજીક પેટ્રોલપંપ સામે પ્રેમલગ્નના વિવાદમાં યુવક અને તેના મિત્ર પર હુમલો કરી તેની પત્નીને કારમાં લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રોનકકુમાર મનસુખભાઈ પટેલે સસરા, સાળા સહિત ચાર વ્યક્તિઓ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ કરી રહી છે.
ફરિયાદ મુજબ, બલોલના રોનકકુમાર અને પાલાવાસણાની કેયાબેન પ્રજાપતિ વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેએ લગ્ન કર્યા હતા અને લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. લગ્ન બાદ તેઓ રોનકના પરિવાર સાથે રહેતાં હતાં. કેયાએ આ મામલે મહેસાણા પોલીસ અધિક્ષક, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન અને સાંથલ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી.
એ જ અરજી સંદર્ભે નિવેદન નોંધાવવા રોનક, કેયા, રોનકનો મિત્ર શુભમકુમાર પટેલ અને તેનો ભાઈ વૈભવ કારમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ગયા હતા. નિવેદન આપ્યા પછી તેઓ બલોલ પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે આશરે સવા છ વાગ્યે ડી-માર્ટ સર્કલ નજીક બાઈક અને બીજી કારથી તેમનો રસ્તો રોકવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ પ્રમાણે, કારમાંથી ઉતરેલા લોકોએ વાહનના કાચ તોડ્યા અને રોનક તથા કેયાને બહાર ખેંચ્યાં. પાઈપ, લાકડી અને ગડદાપાટુથી રોનક તથા શુભમને માર માર્યાનો આક્ષેપ છે. પ્રેમે રોનકનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ મહેશભાઈ અને બાબુલાલ પ્રજાપતિ કેયાને પોતાની કારમાં બેસાડી લઈ ગયા હોવાનો આરોપ મૂકાયો છે. પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
