ખેડા જિલ્લાના માતર તાલુકામાં માતર-તારાપુર હાઈવે પર ખોડિયાર ચોકડી પાસે રવિવાર, 4 ઓક્ટોબર 2026ના રોજ ઈકો ગાડી અને મુસાફરોથી ભરેલી રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક વિગતો અનુસાર, ઈકો ગાડી ખોડિયાર ચોકડી તરફથી પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષા સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ રિક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે માતર પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કઢાયા
અકસ્મતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રિક્ષામાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં સ્થાનિકોએ મદદ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ સેવા અને માતર પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચારેય ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. ઉપલબ્ધ વિગતો અનુસાર, તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
ધારાસભ્યે હોસ્પિટલની મુલાકાત લીધી
અકસાનની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અકસ્માત અંગે માહિતી મેળવી ત્યારબાદ ખેડા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તોની સ્થિતિ જાણી હતી. ધારાસભ્યે ફરજ પરના તબીબો સાથે વાત કરી સારવાર અંગે માહિતી મેળવી હતી.
માતર પોલીસે તપાસ શરૂ કરી
અકસાન બાદ હાઈવે પર લોકો એકત્ર થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. માતર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવ્યાં અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી.
પોલીસે મૃતકોના મૃતદેહોને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા છે. ઈકો ગાડીની ઝડપ, ચાલકની બેદરકારી અને અકસ્માતના અન્ય સંભવિત કારણો અંગે તપાસ ચાલી રહી છે.
