ખેડા જિલ્લાના માતર તાલુકાના ગોબરપૂરા ગામે ચોરી થયેલા બકરાં શોધવા ગયેલા યુવકની કાર રોકીને તોડફોડ અને મારામારી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં છ શખ્સો સામે લીંબાસી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

મટોડા ગામે અમદાવાદ-બાવળા રોડ નજીક રહેતા દિલીપભાઈ ચૂનારા પરિવાર સાથે રહે છે. તેમના મોટા પુત્રનાં લગ્ન આશરે પાંચ વર્ષ પહેલાં માતર તાલુકાના વસ્તાણા તાબે આવેલા ગોબરપૂરામાં ગણપતની પુત્રી સાથે થયા હતા. પુત્રવધૂ સાથેના કૌટુંબિક વિવાદ બાદ તે પોતાના પિયરમાં રહેતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બકરાં ગોબરપૂરામાં હોવાની જાણ થતાં પહોંચ્યા

ચૂનારા પરિવારનાં બકરાં ચોરી થઈ ગયા હોવાથી 1 ઓક્ટોબરે બાવળા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બકરાં ગોબરપૂરામાં હોવાની જાણ થતાં યુવક બે વ્યક્તિઓને સાથે લઈ કારમાં ત્યાં ગયો હતો.

ફરિયાદ મુજબ, રસ્તામાં ઈશ્વર અને રાજુ નામના શખ્સોએ કાર અટકાવી હતી. ‘અહીં કેમ આવ્યા છો’ અને ‘અહીં આવવાનું નથી’ કહીને તેમણે અપશબ્દો બોલ્યા અને ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ત્યાર બાદ યુવક કાર લઈને આગળ ગયો અને રસ્તા પર કાર ઊભી રાખી હતી.

લાકડીથી કારના બંને કાચ તોડ્યાનો આક્ષેપ

આ સમયે ગણપત, ઘનશ્યામ, બાબુ અને પરેશ ત્યાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, ગણપત અને ઘનશ્યામે લાકડી વડે કારના બંને કાચ તોડી નાખ્યા હતા. યુવક કારમાંથી નીચે ઉતરતાં પરેશ અને બાબુએ તેની સાથે મારામારી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુવક સાથે રહેલા બે લોકોએ વચ્ચે પડીને ઝઘડો છોડાવ્યો હતો. ત્યાર બાદ ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બનાવ અંગે યુવકની પત્નીએ છ શખ્સો સામે લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.