અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં આવેલા શૂરપાણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પોલીસે દરોડો પાડી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન ગાંજાના છ છોડ અને રૂમમાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે મંદિરના પૂજારી સહિત ત્રણ લોકોને અટકાયતમાં લીધા છે, જ્યારે મુખ્ય વહીવટકર્તા હરદીપગીરી મહારાજ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મંદિર પરિસરમાં વાવેલા છ ગાંજાના છોડનું કુલ વજન 11.397 કિલોગ્રામ નોંધ્યું હતું. આ ઉપરાંત રૂમમાંથી 0.87 કિલોગ્રામ સૂકો ગાંજો મળ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 5.69 લાખ હોવાનું જણાવાયું છે. બે મોબાઇલ ફોન સાથે કુલ રૂ. 5.79 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

એનડીપીએસ એક્ટ હેઠળ કેસ

માલપુર પોલીસે એફએસએલ અધિકારીની મદદથી પ્રાથમિક તપાસ કર્યા બાદ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કેસમાં રવિકાંત ઉર્ફે રવિગીરી તેજેન્દ્રસિંહ રાણા, રૂપસિંહ ઉર્ફે રૂપગીરી મુલ્લાગીરી કુશવાહ અને સનતકુમાર ઉદયભાનું કોરીની અટકાયત કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય લોકો મંદિર પરિસરમાં રહેતા હતા. મુખ્ય વહીવટકર્તા હરદીપગીરી મહારાજને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

સાધુ-સંતોના ઉપયોગ માટે વાવેતરનો દાવો

પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે કે મંદિર પરિસરમાં ગાંજાનું વાવેતર ત્યાં આવતા સાધુ-સંતોના પીવાના ઉપયોગ માટે કરવામાં આવ્યું હતું. જોકે, ગાંજાનો ઉપયોગ અથવા તેનો કોઈ અન્ય હેતુ હતો કે નહીં તે અંગેની તપાસ હજુ ચાલુ છે.

માલપુર પોલીસ દ્વારા જપ્ત કરાયેલા છોડ અને સૂકા ગાંજાના નમૂનાઓની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય વહીવટકર્તાની ધરપકડ બાદ કેસમાં વધુ વિગતો સામે આવી શકે છે.