સુરેન્દ્રનગર જિલ્લાના માલણપુર ગામ નજીક માંડલ-માલણપુર રોડ પર કાર નાળામાં ખાબકતાં વૃદ્ધ દંપતીનાં મોત થયાં હતાં. કાર સામેથી આવતી બાઇકને બચાવવાના પ્રયાસમાં રસ્તા પરથી નીચે ઉતરી પલટી ખાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર જલાભાઈ મોતીભાઈ ડોડીયા અને તેમનાં પત્ની દેવીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જલાભાઈ 71 વર્ષના અને દેવીબેન 67 વર્ષનાં હતાં. તેઓ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામે રહેતાં હતાં. જલાભાઈની માંડલમાં દવા ચાલતી હોવાથી તેમનો પુત્ર રાકેશભાઈ બાવાભાઈ ડોડીયા તેમને પોતાની ગ્રાન્ડ i10 કારમાં બેસાડીને દવા કરાવવા લઈ ગયો હતો. દવા કરાવીને ત્રણેય સવારના આશરે 11 વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે માલણપુર નજીક આ અકસ્માત થયો હતો.
અકસ્માત પછી કારચાલક રાકેશભાઈએ પરિવારજનોને ફોન કરીને જાણ કરી હતી. તેઓ સ્થળે પહોંચ્યા ત્યારે જલાભાઈ અને દેવીબેનને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જણાયું હતું. પરિવારના સભ્ય મહેશભાઈએ ફોન પર બંનેનાં મોત થયાની જાણ કરી હતી. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.
પાટડી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ બંને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. તપાસ પાટડી પોલીસ મથકના પીઆઇ વાય. જી. ઉપાધ્યાય કરી રહ્યા છે.
