મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના ચુથાના મુવાડા ગામે તાલુકા કક્ષાના 77મા વન મહોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ, ગુજરાત રાજ્ય અને સામાજિક વનીકરણ રેન્જ, સંતરામપુરના સંયુક્ત આયોજનમાં યોજાયેલા કાર્યક્રમમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે ગોધર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ સેલોત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો, આસપાસના ગામોના વૃક્ષપ્રેમીઓ તેમજ ચુથાના મુવાડાની પ્રવીણ વિદ્યાલયના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
‘એક પેડ મા કે નામ 3.0’નો સંદેશ
નિમિષાબેન સુથારે ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાનનો હેતુ સમજાવ્યો હતો. તેમણે પર્યાવરણ જાળવણીમાં વૃક્ષોની ભૂમિકા અને આગામી પેઢી માટે હરિયાળું વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને પરંપરાગત પુષ્પગુચ્છની સાથે કૃષ્ણકમળના રોપા આપીને આવકારવામાં આવ્યા હતા. ‘એક પેડ મા કે નામ—એક વૃક્ષ, અનેક આશાઓ’ના સંદેશ સાથે હરિયાળું પર્યાવરણ, સ્વસ્થ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે લોકોની ભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ કર્યું વૃક્ષારોપણ
વન મહોત્સવના અંતિમ તબક્કામાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિત લોકોને વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષો વાવી શકે.
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સામાજિક વનીકરણ રેન્જના R.F.O. ડી. વી. સોલંકી, સંતરામપુરે કરી હતી. વન મહોત્સવ દરમિયાન પ્રકૃતિ સંરક્ષણ માટે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સતત ભાગીદાર બનવા પ્રેરણા આપવામાં આવી હતી.
