મહેસાણાની શ્રી સાર્વજનિક બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. કોલેજ ખાતે બાળ લગ્ન મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ બાળ લગ્ન જેવી સામાજિક કુરિવાજ સામે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો અને તેના નિવારણ માટે કાયદાકીય તથા સામાજિક માહિતી પહોંચાડવાનો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. ક્રાંતિબેન ત્રિવેદીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

વિદ્યાર્થીઓને કાયદાકીય માહિતી આપવામાં આવી

વિજયભાઈ પરમારે બાળ લગ્નના સામાજિક દુષ્પરિણામો અંગે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. તેમણે બાળ લગ્ન અટકાવવા માટેની કાયદાકીય જોગવાઈઓ અને સમાજની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રોટેક્શન ઓફિસર વર્ષાબેન દવેએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને બાળ લગ્ન અટકાવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમ દરમિયાન યુવાનો બાળ લગ્ન સામે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તે અંગે પણ ભાર મૂકાયો હતો.

કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મોનિકાબેન પટેલે કર્યું હતું. બાળ લગ્ન જેવી સામાજિક કુરિવાજને નાબૂદ કરવા માટે યુવાનોમાં જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

ગુજરાતમાં બાળ લગ્ન સંબંધિત ફરિયાદો માટે જિલ્લા સ્તરે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓ ફરજ બજાવે છે. બાળ લગ્ન અટકાવવા માટે નજીકના પોલીસ સ્ટેશન, સામાજિક સંસ્થા, સામાજિક કાર્યકર અથવા અન્ય વ્યક્તિને જાણ કરી શકાય છે.