કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામના કાનજી દેવજી માંગલિયા (40) અને તેમના પુત્ર રૂદ્ર (8)નું લુણી-વડાલા રોડ પર થયેલા અકસ્માતમાં મોત થયું છે. પિતા-પુત્ર બાઇક પર લુણી ગણેશ મંદિરમાં યોજાયેલા સમાજના સમૂહ લગ્નોત્સવમાં જઈ રહ્યા હતા.
મળતી વિગતો મુજબ, મોડી સાંજે રસ્તા પર અચાનક ગાય આડી આવતાં કાનજીભાઈએ બાઇકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાઇક પરથી કાબૂ જતાં બંને રસ્તા પર પટકાયા હતા. તેમને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી.
અકસાન બાદ બંનેને સારવાર માટે મુન્દ્રાની અદાણી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પિતા-પુત્ર બંનેનાં મોત થયાં. કાનજીભાઈના ભાઈએ મુન્દ્રા મરીન પોલીસ મથકે જાહેર કરેલી વિગતોમાં અકસ્માતની જાણ પરિવારને ફોન દ્વારા થઈ હોવાનું જણાવ્યું હતું. અકસ્માત લુણી અને વડાલા વચ્ચેના માર્ગ પર થયો હતો. પિતા-પુત્ર સમૂહ લગ્નોત્સવમાં પહોંચે તે પહેલાં જ આ દુર્ઘટના બની.
