ગુજરાત સરકારે 26 નવેમ્બર, 2026ના રોજ લખનઉમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો રોડ-શો યોજ્યો હતો. તેમાં ઉત્તર પ્રદેશના ઉદ્યોગકારો અને રોકાણકારોને સમિટમાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું. સમિટ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. આ તેની 11મી આવૃત્તિ છે.

ગુજરાતના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણ સોલંકીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ અને લખનઉ રોડ-શોના નોડલ અધિકારી આલોક કુમાર પાંડે પણ તેમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેશના ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્મા સહિત બંને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ અને રોકાણકારો હાજર રહ્યા હતા.

ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ સમિટની થીમ “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” રજૂ કરી હતી. તેમણે ગુજરાતની ઉત્પાદન ક્ષમતા, માળખાકીય સુવિધાઓ અને રોકાણ માટેના વ્યવસાયિક વાતાવરણનો ઉલ્લેખ કર્યો હતો. તેમના પ્રેઝન્ટેશનમાં ગુજરાતનું અર્થતંત્ર 318 અબજ અમેરિકી ડૉલરનું હોવાનો અને ભારતની માલસામાન નિકાસમાં રાજ્યનો હિસ્સો 25 ટકા હોવાનો દાવો રજૂ થયો હતો.

ઉદ્યોગો માટે સહકારની તકો

રમણ સોલંકીએ ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, કાપડ, IT, લોજિસ્ટિક્સ, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઊર્જા અને નાણાકીય સેવાઓ સહિતનાં ક્ષેત્રોમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશની ક્ષમતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને સમિટનો ઉપયોગ ભાગીદારી અને રોકાણની તકો શોધવા માટે કરવા આમંત્રણ આપ્યું હતું.

અરવિંદ કુમાર શર્માએ બંને રાજ્યોને ભારતના વિકાસમાં પૂરક ભૂમિકા ભજવતાં કેન્દ્રો ગણાવ્યાં હતાં. તેમનું કહેવું હતું કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ હરીફ નહીં, પરંતુ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રયાસમાં સહયોગી બની શકે છે.

RSPL ગ્રુપના CEO ટિંકુ છાબડા, Uno Minda લિમિટેડનાં ડૉ. આનંદી એન. સિંહ અને Asian Paintsના અમિત કુમાર સિંહે ગુજરાતમાં વ્યવસાય કરવાના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે રાજ્યના નીતિ માળખા, વહીવટમાં પારદર્શિતા અને સરકાર સુધીની પહોંચ અંગે વાત કરી હતી.

રોડ-શો દરમિયાન ગુજરાતના પ્રતિનિધિઓએ ઉત્તર પ્રદેશના ઉદ્યોગકારો સાથે રસાયણો, એરોસ્પેસ અને સંરક્ષણ, આરોગ્યસેવા, ફૂડ પ્રોસેસિંગ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં રોકાણની શક્યતાઓ અંગે અલગ બેઠકો પણ કરી હતી. લખનઉના ગુજરાતી સમાજના સભ્યોને પણ સમિટમાં જોડાવા આમંત્રણ અપાયું હતું. 25 નવેમ્બરે પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને મંત્રી અરવિંદ કુમાર શર્માને મળીને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.