મધ્યપ્રદેશથી જામનગર લવાતો એક વોન્ટેડ આરોપી 29 નવેમ્બરની મધરાતે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં ફાયરિંગની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પોલીસ કર્મચારીની સરકારી સર્વિસ પિસ્તોલ ઝૂંટવી હતી અને પોલીસ પાર્ટી તરફ ગોળીબાર કર્યો હતો. તેને રોકવા પીએસઆઈએ ગોળી ચલાવતાં આરોપીના જમણા પગમાં ઈજા થઈ હતી. ઘટનામાં ઝપાઝપી દરમિયાન એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હતી.

આરોપી ઠાકુર કલમીયા ડામોર જામનગરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડ્રગ્સ કેસ અને પોલીસ પાર્ટી પર હુમલાના કેસમાં વોન્ટેડ હતો. પોલીસ તેને 28 નવેમ્બરે બપોરે 3.30 વાગ્યે મધ્યપ્રદેશના ઝાબુઆથી પકડીને જામનગર લાવવા નીકળી હતી. કાફલો સરકારી અને ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યો હતો.

હોટલ પાસે રોકાણ દરમિયાન ઘટના

પોલીસના અહેવાલ મુજબ, 29 નવેમ્બરે આશરે રાત્રે 1.30 વાગ્યે અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પસાર કર્યા બાદ આરોપીએ કુદરતી હાજતે જવાની વાત કરી હતી. ત્યારબાદ રામાધણી હોટલ પાસે વાહનો રોકવામાં આવ્યાં હતાં. પોલીસ કર્મચારી તેને હોટલની બાજુમાં લઈ ગયા ત્યારે આરોપીએ અંધારાનો લાભ લઈને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી થઈ અને તેણે કર્મચારીની કમર પાસે રાખેલી સરકારી સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પિસ્તોલ લોડ કરી પોલીસ પાર્ટી તરફ તાકી અને ભાગવા લાગ્યો હતો. સાથે રહેલા પીએસઆઈએ તેને હથિયાર નીચે મૂકીને શરણાગતિ સ્વીકારવા વારંવાર ચેતવણી આપી હતી. પોલીસનો દાવો છે કે આરોપીએ આ ચેતવણી અવગણી પોલીસ તરફ ફાયરિંગ કર્યું હતું. તેને રોકવા અને સરકારી હથિયાર પાછું મેળવવા પીએસઆઈએ પહેલાં હવામાં ગોળી ચલાવી હતી. આરોપીએ નાસવાનું ચાલુ રાખીને ફરી ગોળીબાર કરતાં પીએસઆઈએ સ્વબચાવમાં તેના જમણા પગ તરફ ગોળી ચલાવી હતી.

ગોળી જમણા પગની ઘૂંટીથી ઉપર વાગતાં આરોપી નીચે પડી ગયો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને તેની પાસેથી ઝૂંટવાયેલી પિસ્તોલ સુરક્ષિત રીતે પાછી મેળવી હતી. ઈજાગ્રસ્ત આરોપીને 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીએ પણ લીંબડીની હોસ્પિટલમાં સારવાર લીધી હતી.