સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના માલીકા ગામ નજીક સુખડિયા ડેમના કોઝવે પર સ્વિફ્ટ કાર પાણીમાં ખાબકી હતી. માલીકા ગામથી વડલા તરફ જતાં માર્ગ પર બનેલી આ ઘટનામાં કારમાં સવાર તમામ મુસાફરોનો સ્થાનિકોની સમયસૂચકતાથી આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, કોઝવે પરથી પસાર થતી વખતે કારનું વ્હીલ લપસતાં વાહન ડેમના ઊંડા પાણીમાં પડી ગયું હતું. કોઝવે પર ડેમના પાણીનો પ્રવાહ રહેતો હોવાથી રસ્તા પર લીલ અને ચીકણાશ જામી હતી. આ સ્થિતિને કારણે વાહનચાલકો માટે રસ્તો જોખમી બન્યો હોવાની સ્થાનિકોની રજૂઆત છે.

ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી કરી

અકસમાતની જાણ થતાં માલીકા ગામના રહીશો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પાણીમાં ઉતરી કારમાં સવાર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ગામમાંથી ટ્રેક્ટર મંગાવીને પાણીમાં ગરકાવ થયેલી સ્વિફ્ટ કારને પણ બહાર કાઢવામાં આવી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જોકે, કોઝવે પર પાણી અને લીલના કારણે વાહનો લપસીને પાણીમાં ખાબકવાની ઘટનાઓ અગાઉ પણ બની હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ અંગે ઉપલબ્ધ અહેવાલોમાં પણ રસ્તા પરની ચીકણાશને કારણે અગાઉ અકસ્માતો થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નવા ઓવરબ્રિજનું કામ શરૂ કરવાની માંગ

સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોનું કહેવું છે કે સુખડિયા ડેમ પર નવા ઓવરબ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી હોવા છતાં કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. અવારનવાર બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

સ્થાનિકોનું માનવું છે કે કોઝવે પર પાણીનો પ્રવાહ અને ચીકણાશ યથાવત રહેતી હોવાથી વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે. મોટી જાનહાનિ થાય તે પહેલાં કાયમી ઉકેલ લાવવા માટે બ્રિજનું કામ ઝડપથી શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે.