પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં રાત્રીના સમયે થયેલી ઘરફોડ ચોરીઓની તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી કચ્છમાં આવી ચોરી કરતી હોવાનો આરોપ ધરાવતા પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કચ્છ જિલ્લામાં નોંધાયેલા 15 જેટલા વણઉકેલાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ ટીમે છેલ્લા કેટલાક દિવસોમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી મળેલી બાતમીના આધારે એક વાહનને રોકી તેમાં સવાર પાંચ શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ અને તપાસ દરમિયાન ચોરીના ગુનાઓ સાથે તેમનું જોડાણ સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

રોકડ અને ચોરીના સાધનો કબજે

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી રૂ.3.50 લાખની રોકડ રકમ, અર્ટિગા કાર, બે લોખંડના ગણેશિયા, એડજસ્ટેબલ પાનું, કટર, ડીસમિસ અને મોજાં સહિતની વસ્તુઓ મળી આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ સામગ્રીનો ઉપયોગ ઘરફોડ ચોરીમાં કરવામાં આવતો હોવાની આશંકા છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ભચાઉ, કોઠારા, નલિયા, માધાપર અને માંડવી સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રાત્રીના સમયે ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે. પકડાયેલા આરોપીઓમાં માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા, દિનેશ ભેરૂલાલ ચૌહાણ, સ્વરૂપસિંહ સંગરસિંહ અલાવા, શકરુ બન્સિંહ આમલીયાર અને મોહબત ઇંડુ મંડલોકનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના હોવાનું જણાવાયું છે.

રેકી બાદ રહેણાંક વિસ્તારોને નિશાન

પોલીસ તપાસમાં ગેંગની કાર્યપદ્ધતિ પણ સામે આવી હોવાનું જણાવાયું છે. આરોપીઓ અગાઉથી સ્થળની રેકી કરતા હતા અને હાઇવે નજીકની ટાઉનશિપ, ફેક્ટરી વિસ્તાર અથવા રહેણાંક કોલોનીને નિશાન બનાવતા હતા. રાત્રિના સમયે નજીકની ઝાડીઓમાં છુપાયા બાદ મકાનોમાં પ્રવેશ કરી રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરી કરીને વાહન મારફતે પરત ફરતા હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી માનસિંહ અન્ય રાજ્યોમાં પણ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતો અને તેના પર રૂ.10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ગેંગ સામે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસએ જણાવ્યું છે.

હાલ પાંચેય આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. ચોરીના અન્ય ગુનાઓ અને કબજે કરાયેલા મુદ્દામાલ અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.