કચ્છના ઉદ્યોગોને GSTના નવા સુધારાના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓ અંગે Federation of Kutch Industries Associations (FOKIA)એ CBICના ચેરમેન વિવેક ચતુર્વેદી સમક્ષ રજૂઆત કરી છે. અમદાવાદની મુલાકાત દરમિયાન થયેલી આ રજૂઆતમાં રિફંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), નિકાસ, નોંધણી અને ઈ-વે બિલ સહિતના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવાની માગ કરવામાં આવી હતી.
FOKIAના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેના જણાવ્યા મુજબ, કચ્છના ઉદ્યોગો કંડલા અને મુન્દ્રા બંદરો, લાંબા અંતરના પરિવહન તથા મોટા મૂડીરોકાણવાળા પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા છે. તેથી કરવેરાના નિયમો સ્પષ્ટ અને વ્યવહારુ હોય તે જરૂરી છે.
નિકાસના રિફંડ અને ITC અંગે રજૂઆત
નિકાસકારોને આધાર આધારિત ચકાસણી અને ICEGATE, EDPMS તથા SEZ Online સિસ્ટમ વચ્ચેની અસંગતતાઓને કારણે રિફંડમાં વિલંબ ન થાય તે માટે FOKIAએ વૈકલ્પિક વ્યવસ્થા સૂચવી છે. કસ્ટમ્સ અને GST વિભાગ વચ્ચે સંયુક્ત સિંગલ વિન્ડો ઊભી કરવાની પણ માગ કરાઈ છે.
નિયમ 89(4)(C) હેઠળ રિફંડની 1.5 ગણી મર્યાદા દૂર કરવાના નિર્ણયનો લાભ પેન્ડિંગ તેમજ અગાઉના રિફંડ દાવાઓને પણ આપવો જોઈએ એવી રજૂઆત કરવામાં આવી છે. ઇનપુટ સર્વિસ અને મૂડીગત માલ સંબંધિત ITC રિફંડની નવી જોગવાઈઓમાં અગાઉથી શરૂ થયેલા મોટા પ્રોજેક્ટ્સના જૂના ITC બેલેન્સનો ઉપયોગ કરવાની એક વખતની તક આપવા પણ કહેવાયું છે.
ITCને 60 મહિનામાં ફેલાવવાની જોગવાઈ, પાઇપલાઇન પર ITCની પાત્રતા અને બ્લોક્ડ ક્રેડિટના નિયમો અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. FOKIAએ ઉદ્યોગોના પ્રશ્નો સીધા સાંભળવા CBICના અધિકારીઓની કચ્છમાં બેઠક યોજવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
નોંધણી, પરિવહન અને જૂના કેસો
GST નોંધણી વખતે નિર્ધારિત યાદી બહારના વધારાના દસ્તાવેજો ન માગવા, સ્થળમાં ફેરફારની અરજી પર 15 દિવસમાં નિર્ણય ન આવે તો તેની મંજૂરીની સ્થિતિ સ્પષ્ટ કરવી અને ઈ-કોમર્સ વેપારીઓની પાત્રતા અંગેની વિસંગતતાઓ દૂર કરવી—આ માગણીઓ પણ રજૂઆતમાં સામેલ છે.
કચ્છથી અન્ય રાજ્યોમાં માલ મોકલાતો હોવાથી બિલ-ટુ/શિપ-ટુ વ્યવહારો, ઈ-વે બિલની સમયમર્યાદા અને વાહન બદલવાના કિસ્સાઓમાં નિયમો સ્પષ્ટ કરવા કહેવાયું છે. કંડલા-મુન્દ્રા બંદરેથી CFS અને ફેક્ટરી સુધીના પરિવહનમાં અનાવશ્યક કાર્યવાહી ટાળવા, વાહન અટકાવતી વખતે લેખિત મંજૂરી બતાવવા તથા વાહન છોડવાની સમયમર્યાદા નક્કી કરવાની ભલામણ કરવામાં આવી છે. HSN જેવી નાની ભૂલો બદલ પ્રમાણસર દંડ રાખવાની પણ માગ છે.
FOKIAએ સુધારાઓની અમલ તારીખોનું કેલેન્ડર જાહેર કરવા અને નવા નિયમો તથા પરિપત્રોના મુસદ્દા પર ઉદ્યોગો પાસેથી ઓછામાં ઓછા 30 દિવસ સૂચનો મંગાવવા કહ્યું છે. પેન્ડિંગ રિફંડ, નોટિસ અને નોંધણીના કેસોમાં રાહત સાથે GST પહેલાંના વિવાદોના ઉકેલ માટે ‘વિવાદ સે વિશ્વાસ’ જેવી યોજના લાવવાનું પણ સૂચવ્યું છે. બેઠકમાં ક્ષેત્ર નિષ્ણાત શરણ રાયપ્રોલ તથા DP વર્લ્ડ, રત્નમણિ અને આશાપુરા ગ્રુપના પ્રતિનિધિઓ જોડાયા હતા.
