કચ્છના કાળો ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી વન વિભાગની ટીમને 6 સપ્ટેમ્બરે એક જ સ્થળે બે અલગ અને દુર્લભ સાપ જોવા મળ્યા હતા. ટીમ પહેલા બ્લૅક-હેડેડ ક્રાઉન સ્નેકને જોવા માટે રોકાઈ હતી, પરંતુ તેને વાહનમાંથી બહાર કાઢતી વખતે નજીકમાં આફ્રો-એશિયન સેન્ડ સ્નેક પણ દેખાયો હતો.

કચ્છ (પૂર્વ) વન વિભાગની ભુજ (ઉત્તર) રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર જયેશ દુમાદિયા અને તેમની ટીમ પાકિસ્તાન સરહદ નજીકના કાળો ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. સૂકા અને વનસ્પતિ વગરના વિસ્તારમાં સાપ દેખાતા ટીમે બોલેરો કૅમ્પર વાન ઊભી રાખી હતી.

જયેશ દુમાદિયાએ જણાવ્યું હતું કે તેમણે પહેલાં મૃત બ્લૅક-હેડેડ ક્રાઉન સ્નેક જોયો હતો, પરંતુ જીવિત સાપ પહેલીવાર જોવા મળ્યો. આ સાપને ગુજરાતીમાં રજવાડી સાપ તરીકે ઓળખવામાં આવે છે. ટીમે તેના ફોટોગ્રાફ લેવાનું શરૂ કરતાં તે બચાવની મુદ્રામાં આવી ગયો અને કૅમ્પર વાનના નીચેના ભાગમાં સંતાઈ ગયો.

કૅમ્પર વાન પાસે દેખાયો બીજો સાપ

વનકર્મીઓ રજવાડી સાપને વાહનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ઓછા પ્રકાશમાં મીઠાના પોપડા પર બીજો સાપ સરકતો દેખાયો. દેખાવમાં અલગ લાગતા આ સાપના ફોટોગ્રાફ અને વીડિયો બનાવવામાં આવ્યા. ત્યાર બાદ તેની ઓળખ માટે સામગ્રી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તથા અન્ય સર્પ નિષ્ણાતોને મોકલવામાં આવી.

નિષ્ણાતોએ આ સાપને આફ્રો-એશિયન સેન્ડ સ્નેક તરીકે ઓળખાવ્યો. સરિસૃપ નિષ્ણાત ડૉ. રાજુ વ્યાસના જણાવ્યા અનુસાર તેનું વૈજ્ઞાનિક નામ સામોફીસ સોકારી છે. સામોફીસ પરિવારના સાપ સામાન્ય રીતે સૂકા અને રેતાળ પ્રદેશોમાં રહે છે.

આ સાપ લાંબો અને પાતળો હોય છે તથા જમીન પર ઝડપથી દોડી શકે છે. તે મુખ્યત્વે ગરોળી અને કીટકો ખાય છે. ગરોળી જેવા નાના જીવો માટે તે ઝેરી હોય છે, પરંતુ તેનું ઝેર માણસો પર સામાન્ય રીતે ગંભીર અસર કરતું નથી. આ સાપની લંબાઈ ચાર ફૂટ જેટલી હોઈ શકે છે.

કચ્છમાં અગાઉ પણ નોંધાઈ ચૂક્યો છે

ગુજરાત વન વિભાગની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું હતું કે કચ્છના સર્વે દરમિયાન પ્રકૃતિવિદ ફર્ડિનાન્ડ સ્ટોલીકઝાએ આફ્રો-એશિયન સેન્ડ સ્નેકનો નમૂનો મેળવ્યો હતો. બાદમાં તેની ઓળખ આ જ પ્રજાતિના સાપ તરીકે થઈ હતી.

કચ્છમાં રહેતા પક્ષીવિદ જુગલ કિશોર તિવારીએ જણાવ્યું હતું કે 2009માં બન્ની ઘાસિયા મેદાનના પૂર્વ ભાગમાં આવેલા લોડાઈ ગામે તેમને આ સાપ જોવા મળ્યો હતો. તેમણે તેના ફોટોગ્રાફ પણ લીધા હતા. તેમના જણાવ્યા અનુસાર ત્યાર બાદ તેમને આ સાપ ફરી જોવા મળ્યો નથી.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ બંને સાપ સૂકી જમીન પરથી કચ્છના મોટા રણમાં પાણી ભરાયેલા વિસ્તાર તરફ જતા જણાતા હતા. 6 સપ્ટેમ્બર પછી વનકર્મીઓએ એ જ વિસ્તારમાં બે-ત્રણ વખત તપાસ કરી, પરંતુ બંનેમાંથી કોઈ સાપ ફરી જોવા મળ્યો નહોતો.

રજવાડી સાપ જોકે થોડો વધુ સમય વન વિભાગની કૅમ્પર વાનમાં જ રહ્યો હતો. અંધારું થવા લાગતાં ટીમ વાન લઈને ઘટનાસ્થળથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા વન વિભાગના ગેસ્ટહાઉસે પહોંચી હતી. ત્યાં તપાસ કરતાં સાપ હજુ પણ વાનના નીચેના ભાગમાં સંતાયેલો મળી આવ્યો હતો. અંતે તેને વાનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો.

કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે આફ્રો-એશિયન સેન્ડ સ્નેકનું દસ્તાવેજીકરણ કચ્છના વૈવિધ્યસભર વન્યજીવનનો પુરાવો છે. વન વિભાગે આ નોંધ વૈજ્ઞાનિક સામયિકોના તંત્રીઓ સુધી પહોંચાડી તેને સત્તાવાર રેકૉર્ડમાં સામેલ કરાવવાના પ્રયાસ કરવાની વાત કહી છે.