કચ્છના લખપત તાલુકાના દયાપરમાં 14 વર્ષના કિશોર સાથે જાતીય શોષણના કેસમાં ભુજની વિશેષ પોક્સો અદાલતે આરોપી મનસુખ ભગવાનભાઈ બારૈયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે રૂ. 50 હજારનો દંડ પણ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(1) હેઠળ તેને એક વર્ષની કેદ અને રૂ. 1 હજારનો વધારાનો દંડ પણ ફટકારાયો છે. પીડિત બાળકને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આદેશ અપાયો છે.
આ કેસની ઘટના નવેમ્બર 2024માં બની હતી. દિવાળીના વેકેશનમાં કિશોર તેના મિત્રના ઘરે આવ્યો હતો. એક સાંજે બંને મિત્રો કબૂતર જોવા નીકળ્યા ત્યારે મનસુખ બારૈયા તેમને મળ્યો હતો. કબૂતર બતાવવાની વાત કરીને તે બંનેને પોતાની આઈ-ટેન કારમાં બેસાડી મોરગર સીમના નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં કિશોરનું જાતીય શોષણ કરાયું હતું. ત્યારબાદ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, આ રીતે તેનું વારંવાર શોષણ થયું હતું અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.
કિશોરની ફરિયાદના આધારે 4 ફેબ્રુઆરી 2025ના રોજ દયાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસ બાદ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ભોલાએ 30 દસ્તાવેજી પુરાવા અને 14 સાક્ષીઓના આધારે ચાર્જશીટ રજૂ કરી હતી.
ભુજની વિશેષ પોક્સો અદાલતના જજ એમ.એફ. ખત્રીએ પુરાવા અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ સજા સંભળાવી હતી. કલમ 351(1) હેઠળની સજા અને દંડ પણ ચુકાદામાં સામેલ છે. વળતરની રકમ પીડિત બાળકને ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને જવાબદારી સોંપાઈ છે. કેસમાં સરકાર તરફથી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ રજૂઆતો કરી હતી.
