સુરત જિલ્લાના કોસંબામાં વર્ષ 2022 દરમિયાન બનેલા ટ્રિપલ મર્ડર કેસનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે ઉકેલ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસ તપાસ મુજબ, 70 વર્ષીય શાંતાબેન વસાવા સહિત ત્રણ નજીકના સંબંધીઓની હત્યામાં માધવદાસ સાધુ અને તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા સંડોવાયેલા હતા. શાંતાબેનના મૃતદેહના અવશેષો કોસંબાના વડફળિયા વિસ્તારમાં આવેલા મકાનના આંગણામાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે માધવદાસે અમદાવાદ પોલીસ સમક્ષ અરજી કરીને પોતાની પત્ની ઉર્મિલા અને અફઝલ ઉર્ફે ફોટો દીવાન પર શાંતાબેનની હત્યાનો આરોપ મૂક્યો હતો. ક્રાઈમ બ્રાન્ચને અરજીમાં દર્શાવેલી વિગતો શંકાસ્પદ લાગતાં તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, અફઝલની સંડોવણીના પુરાવા મળ્યા નહોતા. ત્યારબાદ માધવદાસે જ શાંતાબેનની હત્યામાં પોતાની અને ઉર્મિલાની ભૂમિકા સ્વીકારી હતી.
સિમેન્ટ ભરેલા ડ્રમમાં મૃતદેહ છુપાવ્યો હોવાનો દાવો
પોલીસ તપાસ મુજબ, શાંતાબેન કોસંબાના વડફળિયામાં એકલા રહેતા હતા. વર્ષ 2022માં માધવદાસ અને ઉર્મિલાએ તેમની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને એક ડ્રમમાં મૂકીને તેમાં ત્રણ બોરી સિમેન્ટ અને પાણી ભરવામાં આવ્યું હતું. આશરે ત્રણ મહિના બાદ ડ્રમ ખોલીને મૃતદેહને સિમેન્ટ સાથે મકાનના આંગણામાં ખોદેલા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો. ખાડા પર સિમેન્ટનો જાડો સ્લેબ પણ બનાવવામાં આવ્યો હતો.
સંયુક્ત ટીમે આરોપી દંપતીને ઘટનાસ્થળે લઈ જઈ તપાસ કરી હતી. પાવડા અને કોદાળીથી સિમેન્ટનું પડ તોડ્યા બાદ આશરે 4થી 5 ફૂટ ઊંડાઈએથી અવશેષો મળ્યા હતા. અવશેષોને પોટલીમાં પેક કરીને FSL અને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
અન્ય બે મહિલાઓની હત્યાની કબૂલાત
પૂછપરછ દરમિયાન દંપતીએ વધુ બે મહિલાઓની હત્યા કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે. ભગવતી વસાવા ઉર્મિલાની બહેન હતી અને ટીબીની બીમારીથી પીડાતી હતી. પોલીસ મુજબ, માધવદાસ અને ઉર્મિલાએ ઓશીકું મોં પર દબાવી તેમની હત્યા કરી હતી અને મૃતદેહ દાટી દીધો હતો.
બીજા કેસમાં મંજુલાબેન સાધુ માધવદાસની માતા અને ઉર્મિલાની સાસુ હતી. તેઓ લકવાથી પીડાતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દંપતીએ તેમની પણ ઓશીકું મોં પર દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પત્ની સાથેના વિવાદ બાદ ખોટી ફરિયાદનો આક્ષેપ
તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે માધવદાસ અને ઉર્મિલા છેલ્લા આશરે 8થી 9 મહિનાથી અલગ રહેતા હતા. ઉર્મિલા દાગીના, રોકડ અને પુત્રને લઈને અલગ રહેવા જતાં માધવદાસ તેનાથી નારાજ હતો. પોલીસના દાવા મુજબ, આ અદાવતને કારણે તેણે પત્ની અને તેના કઝિનને હત્યાના કેસમાં ફસાવવાની ખોટી વાર્તા ઊભી કરી હતી.
શાંતાબેનના મૃત્યુ અંગે પરિવારજનોને અલગ-અલગ માહિતી આપવામાં આવી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. સમગ્ર કેસમાં મળેલા અવશેષો, ફોરેન્સિક તપાસ અને આરોપીઓના નિવેદનોના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
