ખેડા જિલ્લાના ખેડા-માતર રોડ પર સંતરામ મિલ નજીક ઈકો કાર અને રિક્ષા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઈકો કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. માતર પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, ઈકો કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ દરમિયાન કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર ત્રણ મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતકોની ઓળખ સીંજીવાડાના અબ્દુલકય્યુમ ડોસુમીયા મલેક, શેખુપુરના અમરસિંહ બુધાભાઈ વાઘેલા અને દેથલી ગામના બળવંત વિષ્ણુભાઈ ચુનાર તરીકે થઈ છે.

સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા

અકસાનનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. રિક્ષામાં ફસાયેલા ઈજાગ્રસ્તોને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ચારેય ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ખેડા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.

અકસાનને પગલે ખેડા-માતર અને માતર-તારાપુર માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થતાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. માતર પોલીસની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોની સારવાર અંગે માહિતી મેળવી હતી અને જરૂરી તબીબી સહાય સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

માતર પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ફરાર ઈકો કારચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને કારચાલકની જવાબદારી અંગેની વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.