કચ્છના અંજાર તાલુકાના ખંભરા ગામે આવેલા પ્રાચીન મતિયાદેવ મંદિરમાં દાનપેટીની ચોરીના કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી રોકડ રકમ અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 24,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી એમ.પી. ચૌધરીની સૂચનાથી અંજાર પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ માહિતી અને માનવસૂત્રોના આધારે પોલીસે વર્ષામેડી-મેઘપર કેનાલ નજીક દરોડો પાડીને મિથુન વરસીંગ મોહનીયા, અંશુ બચુ કટારા, દિનેશ શબુરભાઈ ડામોર અને સમુ નબળાભાઈ મોહનીયાને ઝડપી પાડ્યા હતા.
મંદિર અને વાડીમાંથી ચોરીનો આક્ષેપ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મિથુને જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે અગાઉ વીજ લાઈનની મજૂરી દરમિયાન તેને મતિયાદેવ મંદિરની જાણકારી મળી હતી. ત્યારબાદ રાજકોટથી બોલેરો પીકઅપમાં સાત સાગરીતો સાથે ખંભરા આવ્યા હોવાનો અને મંદિરની દાનપેટીમાંથી ચોરી કર્યા બાદ સિનુગ્રાની વાડીમાંથી મોબાઈલ ફોન પણ લઈ ગયા હોવાનો પોલીસનો દાવો છે.
આરોપીઓ પાસેથી રૂ. 4,960 રોકડા અને ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસે આ કેસમાં ફરાર ત્રણ આરોપીઓ જબલો ડામોર, સુમલો કટારા અને સાગર મોહનીયાને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
અંજાર પોલીસ દ્વારા ઝડપાયેલા ચારેય આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ચોરીની ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને અગાઉના કોઈ ગુનાઓ સાથે તેમનો સંબંધ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે.
