દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં દિવાળીના દિવસે નગરપાલિકા સફાઈ કામદારોએ કચેરીના પટાંગણમાં પ્રતીકાત્મક હોળી પ્રગટાવી વિરોધ નોંધાવ્યો હતો. તહેવાર પહેલાં બોનસ અથવા ફેસ્ટિવલ એડવાન્સ ચૂકવાયું ન હોવાનો આક્ષેપ કરતાં કામદારોએ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કામદારોની પડતર માગણીઓના ઉકેલની માગ સાથે નગરપાલિકા કચેરી સામે આશરે 20 દિવસથી પ્રતીક ઉપવાસ અને આમરણાંત ઉપવાસનું આંદોલન ચાલી રહ્યું છે. આટલા સમય પછી પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો ન હોવાનો તેમનો દાવો છે. દિવાળીના દિવસે પ્રગટાવેલી હોળી આ જ વિરોધનો ભાગ હતી.
આંદોલન દરમિયાન નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં પણ શહેરની સફાઈ ચાલુ રાખવામાં આવી હતી, જેથી નાગરિકોને અસુવિધા ન થાય. જોકે, માગણીઓનો સ્વીકાર ન થાય તો આગામી સમયમાં સમગ્ર શહેરની સફાઈ કામગીરી બંધ રાખવાની ચીમકી કામદારોએ આપી છે. આથી પાલિકા અને કામદારો વચ્ચેનો વિવાદ ઉકેલાય છે કે નહીં તે પરિસ્થિતિ પર નજર રહેશે.
