વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામમાં પાંજરાપોળમાંથી ત્રણ ભેંસની ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને પોલીસે ડીસામાંથી ઝડપી લીધો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ પંપાબેન વેલાભાઈએ ઇન્સ્ટાગ્રામ પર આરોપી સાથે સંપર્ક કેળવી તેને મળવા બોલાવ્યો હતો. પોલીસની ટીમે બાગમાં ગોઠવેલી કાર્યવાહીમાં તેની ધરપકડ કરી હતી.

મિયાગામની પાંજરાપોળમાંથી રૂ. ૧.૨૦ લાખની કિંમતની ત્રણ ભેંસ ચોરાઈ હોવાની ફરિયાદ મે મહિનામાં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તપાસ દરમિયાન પોલીસને હિરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરનું નામ મળ્યું હતું. તેને ઝડપી પાડવા પોલીસે તેના સંભવિત આશ્રયસ્થાનો પર તપાસ કરી હતી, પરંતુ તે હાથ લાગ્યો નહોતો.

ડીસાના બાગમાં ગોઠવ્યું છટકું

આરોપીનો પત્તો મેળવવા પંપાબેને ઇન્સ્ટાગ્રામ મારફતે તેની સાથે સંપર્ક કર્યો અને સતત સાત દિવસ સુધી ચેટ કરી. આરોપીને તેની સાથે વાત કરતી વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલ છે તેની જાણ નહોતી. મળવા માટેની વાત થતાં તે તૈયાર થયો હતો.

ડીસાના સાંઈબાબા મંદિર નજીક આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ બાગમાં મળવાનું નક્કી થયું. ત્યારબાદ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી હતી. મહિલા કોન્સ્ટેબલને મળવાની જગ્યાએ એકલી રાખીને અન્ય પોલીસકર્મીઓ આજુબાજુ ગોઠવાયા હતા. નક્કી કરેલા સમયે આરોપી ત્યાં પહોંચતાં જ પોલીસે તેને ઝડપી લીધો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે ડીસા, મહેસાણા સહિતનાં સ્થળોએ લૂંટ અને ચોરીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલની ધરપકડ કરજણ તાલુકાના મિયાગામની પાંજરાપોળમાંથી ભેંસ ચોરાયાના કેસની તપાસ સાથે જોડાયેલી છે.