કડોદરા GIDC પોલીસે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં બે માસથી ફરાર આરોપી સૌરભ દિનેશચંદ્ર તિવારીને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને બાતમીના આધારે કડોદરા ચોકડીથી બારડોલી તરફ જતા માર્ગ પરથી પકડવામાં આવ્યો હતો.
કડોદરા GIDC પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોન્સ્ટેબલ ભૌતિકકુમાર અને રૂડાભાઈને આરોપી અંગે માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.
આરોપી સામે BNSSની કલમ 35(1) મુજબ અટકાયતની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તેની જાણ કરવામાં આવી હતી.
આરોપી ક્યાં રહેતો હતો
પોલીસના જણાવ્યા મુજબ, સૌરભ તિવારી કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલા રુદ્રા રેસીડેન્સીના મારૂતિ પેલેસમાં રૂમ નંબર 109માં રહે છે. તે મૂળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના બીરામાપુર ગામનો રહેવાસી હોવાનું જણાવાયું છે.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે આરોપી અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના વિરુદ્ધ સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં તે છેલ્લા બે મહિનાથી ફરાર હતો.
