કડીથી છત્રાલ જતા માર્ગ પર 16 નવેમ્બરની રાત્રે ટ્રકની ટક્કરથી બાઈકસવાર દીપાંશુનું મોત થયું હતું. અકસ્માત કડી હાઈવે ત્રણ રસ્તા નજીક જગતદર્શન સોસાયટી આગળ થયો હતો. ઘટનાના દિવસો બાદ મૃતકના મોટા ભાઈએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ફરાર ટ્રકચાલકની શોધખોળ શરૂ થઈ છે.

દીપાંશુ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી Torrent Pharma કંપનીમાં નોકરી કરતો હતો. 16 નવેમ્બરે તે પોતાની TVS Raider બાઈક લઈને દેત્રોજ તાલુકાના રામપુરા ગામે રહેતી બહેન ગુંજનબેનના ઘરે ગયો હતો. રાત્રે ત્યાંથી પરત ફરતી વખતે તેની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી.

પરિવારને અકસ્માતની જાણ સાંજે આશરે 8.30 વાગ્યે થઈ હતી. દીપાંશુના જ મોબાઈલ પરથી એક અજાણ્યા વ્યક્તિએ તેના મોટા ભાઈ દીલીપને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. ફોન કરનારે કહ્યું હતું કે કડી-છત્રાલ રોડ પર જગતદર્શન સોસાયટી આગળ બાઈકચાલકનો અકસ્માત થયો છે અને તેને કડી કુંડાળ સરકારી દવાખાને લઈ જવાઈ રહ્યો છે.

દીલીપ તેમના કાકાના દીકરા અનુજ અને ઉમેશ સાથે દવાખાને પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે દીપાંશુને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતદેહને કડીની પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડાયો હતો. પરિવારને ત્યાં પેટના ભાગે ઈજા અને નાકમાંથી લોહી નીકળ્યાનું જોવા મળ્યું હતું.

ફરિયાદ બાદ તપાસ શરૂ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રે આશરે 8.15 વાગ્યે ટ્રક નંબર RJ-11-GB-9006ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી દીપાંશુની બાઈકને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થયું હતું અને ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પરિવારે શરૂઆતમાં પોલીસ કાર્યવાહી આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. અકસ્માત સમયે પિતા વધુ તપાસ કરાવવા માગતા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં પરિવાર માનસિક રીતે સ્વસ્થ થયા પછી દીલીપે ફરિયાદ નોંધાવી. કડી પોલીસે ફરિયાદના આધારે ફરાર ટ્રકચાલકને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.