જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધાર બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયા બાદ ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં 18.5 લાખથી વધુ પ્રવાસીઓએ કિલ્લાની મુલાકાત લીધી હોવાનું જણાવાયું છે.

પ્રવાસીઓને કિલ્લાનો ઇતિહાસ વધુ રોચક રીતે સમજાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બર 2026ના રોજ આ શોનો પ્રીવ્યૂ યોજાયો હતો. શોમાં જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ઉપરકોટના ઇતિહાસને રજૂ કરવામાં આવે છે.

પ્રવાસીઓની અવરજવર અને સુવિધા ધ્યાનમાં રાખીને બે નવી ગોલ્ફ કાર્ટ પણ ખરીદવામાં આવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને પરિવાર સાથે આવતા મુલાકાતીઓને કિલ્લાની મુલાકાત દરમિયાન તેનો લાભ મળશે.

સ્ટાફને સુરક્ષા અને સેવા અંગે તાલીમ

કિલ્લાના સ્ટાફને કસ્ટમર સર્વિસ અને વિઝિટર હેન્ડલિંગની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલ્થ એન્ડ સેફ્ટી, ફર્સ્ટ એઈડ અને ફાયર સેફ્ટી અંગે તાલીમ તથા અવેરનેસ એક્ટિવિટી પણ યોજાય છે.

ઉપરકોટ સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના રોહિત શુક્લાના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓને ઐતિહાસિક વારસાની સાથે વધુ સારો અને યાદગાર અનુભવ મળે તે માટે સુવિધાઓ તથા પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

વર્ષગાંઠે વિવિધ કાર્યક્રમો

કિલ્લાના જીર્ણોદ્ધાર બાદ તેનું ઉદ્ઘાટન 28 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે પપેટ શો, કરાઓકે, કેક કટિંગ અને મેજિકલ શો યોજાયા હતા.

આગામી 29 સપ્ટેમ્બર 2026થી 28 સપ્ટેમ્બર 2027 દરમિયાન આશરે 40 કાર્યક્રમો અને એક્ટિવિટીઝ યોજવાની યોજના છે. તેનો હેતુ પ્રવાસીઓને માત્ર કિલ્લાની મુલાકાત નહીં, પરંતુ ઇતિહાસ અને મનોરંજન સાથેનો વધુ સારો અનુભવ આપવાનો છે.