જૂનાગઢની એક મહિલાનો સ્માર્ટફોન હેક કરીને બે બેંક ખાતાંમાંથી કુલ રૂ. 1,50,000 ટ્રાન્સફર કરી લેવાયાની ફરિયાદમાં સી-ડિવિઝન પોલીસે અમદાવાદથી બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટેકનિકલ તપાસ અને કોલ ડિટેઇલ રેકોર્ડના વિશ્લેષણના આધારે આરોપીઓ સુધી પહોંચ્યાનું જણાવ્યું છે.
જૂનાગઢનાં પૂજાબેન હિરેનભાઈ વાઢેરે આ અંગે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, તેમણે ઘરે પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો. પતિનો ફોન આવતાં તેમણે મોબાઈલ જોયો ત્યારે સ્ક્રીન પર સામાન્ય વિગતો દેખાતી નહોતી. તેના બદલે ફોન અપડેટ થયો હોવાનું અને બંધ કરવાથી ડેટા ગુમાવવાની શક્યતા દર્શાવતું લખાણ દેખાતું હતું.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોબાઈલ ખૂબ ગરમ થઈ ગયો હતો. થોડી વાર પછી તે બંધ થયો અને આપોઆપ ફરી ચાલુ થઈ ગયો હતો. ફોન હેક કરીને તેમના કેનેરા બેંક અને બેંક ઓફ બરોડાનાં બે અલગ ખાતાંમાંથી ઓનલાઈન વ્યવહારો દ્વારા નાણાં ટ્રાન્સફર કરાયાનો આરોપ છે.
ટેકનિકલ તપાસમાં અમદાવાદનું લોકેશન મળ્યું
આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ માટે રચાયેલી પોલીસ ટીમને ટેકનિકલ વિશ્લેષણ દરમિયાન આરોપીઓનું લોકેશન અમદાવાદમાં મળ્યું હતું. ત્યારબાદ પોલીસે અમદાવાદમાં દરોડો પાડીને બે આરોપીને પકડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં ઘાટલોડિયાની શિવનગર સોસાયટીમાં રહેતા ચિરાગ મુકેશભાઈ પંચાલ અને સરખેજના વ્રજધામમાં રહેતા ગણપતસિંહ ઠાકરરામ ચૌધરીનો સમાવેશ થાય છે. ગણપતસિંહ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખડીન ગામના વતની છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં આરોપીઓની અન્ય સાયબર છેતરપિંડીમાં પણ સંડોવણી હોવાનું જણાયું છે. આ સંદર્ભે રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે લોકોને પોતાના બેંક ખાતાની વિગતો કે ઓટીપી સગાં અથવા મિત્રો સાથે પણ વહેંચવા નહીં એવી અપીલ કરી છે. માતા-પિતાએ સંતાનોનાં બેંક ખાતાંમાં અચાનક જમા થતી રકમ પર નજર રાખવી જોઈએ એવી પણ ચેતવણી આપી છે.
