જૂનાગઢમાં 11 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજીને ગરબા આયોજકો સાથે બેઠક કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં 300થી વધુ પોલીસકર્મીઓ, 30થી વધુ અધિકારીઓ અને 100થી વધુ હોમગાર્ડ જવાનો સહિત 500થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે.
ફ્લેગ માર્ચ તળાવ દરવાજાથી શરૂ થઈ કાળવા ચોક, મોતીબાગ, મધુરમ બાયપાસ, ઝાંઝરડા ચોકડી અને ખામધ્રોળ ચોકડી સુધીના વિસ્તારોમાં ફરી હતી. નવરાત્રીનાં સામાજિક અને કોમર્શિયલ આયોજનો અંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બેઠકમાં આયોજકોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષકની હાજરીમાં શહેર અને તાલુકાનાં પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબી, એસઓજી અને એલઆઈબીના અધિકારીઓ તથા સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ગરબા સ્થળોએ સુરક્ષા અને વાહન ચેકિંગ
આયોજકોને કાર્યક્રમ સ્થળે પૂરતી ખાનગી સુરક્ષા અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. ગરબા સ્થળો, નિશ્ચિત પોલીસ પોઇન્ટ અને મુખ્ય ચાર રસ્તાઓ પર પોલીસ હાજર રહેશે. મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત પણ પોલીસ અધિકારીએ કરી હતી. કોઈ ઇમરજન્સી કે રજૂઆત હોય તો 112 પર ફોન કરવા જણાવાયું છે; કાર્યક્રમ સ્થળે આ નંબર અંગે વારંવાર જાહેરાત કરવા આયોજકોને પણ સૂચના અપાઈ છે.
વાહન ચેકિંગ માટે ખાનગી વિડીયોગ્રાફર, બોડી-વોર્ન કેમેરા અને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવાની તૈયારી છે. રાત્રે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ રાખવાના નિયમનું પાલન કરાવાશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે.
બાયપાસના રસ્તા અંગે વ્યવસ્થા
બાયપાસ પર સિમેન્ટ રોડનું કામ ચાલુ હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે હાઇવે ઓથોરિટી સાથે સંકલન કરવામાં આવ્યું છે. એકમાર્ગીય રસ્તાના કટ પાસે માટીનું પૂરાણ અને રેડિયમ પટ્ટીઓ લગાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ સુરક્ષાને લગતી આ વ્યવસ્થા નવરાત્રી દરમિયાન વાહનચાલકોની અવરજવર સરળ બનાવવા માટે કરવામાં આવી રહી છે.
