રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે જેતપુર તાલુકાના ખારચીયા ગામ નજીક આવેલા સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીના કેસમાં પાંચ લોકોને પકડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી ચોરીના કેબલ સહિત કુલ ₹21,62,840નો મુદ્દામાલ કબજે કરાયો છે. પૂછપરછ દરમિયાન આ ટોળકીએ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

ખારચીયાના પ્લાન્ટમાંથી 16 ડ્રમની ચોરી

ખારચીયા નજીક MBIT Energy Private Limitedના પ્લાન્ટમાં 11 ઓક્ટોબર, 2026ની મોડી રાત્રે ચોરી થઈ હતી. પ્લાન્ટમાં રાખેલા સોલાર DC કેબલના 16 ડ્રમ ગાયબ થયાની ફરિયાદ નોંધાઈ હતી. કેબલની લંબાઈ 16,000 મીટર અને તેની કિંમત ₹12,48,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પ્લાન્ટના મેનેજરે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચનાથી LCBએ તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે પ્લાન્ટની આસપાસના અને તસ્કરોના સંભવિત નાસવાના માર્ગ પરના CCTV ફૂટેજ તપાસ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ના CCTV કમાન્ડ કંટ્રોલ સ્ટાફની મદદથી શંકાસ્પદ વાહનો ઓળખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ટેકનિકલ માહિતી અને બાતમીદારો પાસેથી મળેલી જાણકારીના આધારે પાંચની ધરપકડ કરાઈ હતી.

અન્ય પાંચ પ્લાન્ટમાં ચોરીની કબૂલાતનો દાવો

પકડાયેલા લોકો ભાવનગર જિલ્લાના હોવાનું પોલીસે જણાવ્યું છે. તેમની ઓળખ દશરથ ઉર્ફે દસો માધાભાઈ સાંખટ, મહેશ વીજાભાઈ બારૈયા, પ્રકાશ ઉર્ફે પકો બદુભાઈ બારૈયા, પ્રવીણ ગણેશભાઈ શીયાળ અને વિશાલ ધરમશીભાઈ ભાલીયા તરીકે આપવામાં આવી છે. પોલીસના દાવા મુજબ, પૂછપરછમાં તેમણે સરદારગઢ (માણાવદર), મોટી મારડ (ધોરાજી), વેલાકોટ (ઉના), મોટા હણીયા (ચોટીલા) અને મોટા ખડબા (ધ્રાફા)ના સોલાર પ્લાન્ટમાંથી પણ કેબલ ચોર્યાની કબૂલાત કરી છે. આ સ્થળોની ઘટનાઓ અંગેની વધુ વિગતો કે ચોરીની અલગ અલગ રકમ જાહેર કરાઈ નથી.

પોલીસે જણાવ્યું કે મહેશ બારૈયા અલગ અલગ જિલ્લાઓમાં સોલાર પેનલના સ્ટ્રક્ચર ફિટિંગનું કામ કરતો હતો અને કેબલ તથા કોપરના વાયરની કિંમત જાણતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ટોળકી ભાડાની કારમાં દિવસ દરમિયાન ભંગાર ખરીદવાના બહાને પ્લાન્ટની આસપાસની રેકી કરતી અને મોડી રાત્રે ચોરી કરતી હતી. ત્રણ આરોપીઓ અગાઉ ભાવનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. પાંચેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.