રાજકોટ જિલ્લાના જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાંથી કોપરની પાઈપ અને પિત્તળના વાલ્વ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટર જિતેન્દ્રભાઈ ભીખુભાઈ ગોહેલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી છે.
ફરિયાદ મુજબ, 15 સપ્ટેમ્બરે ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરવામાં આવી ત્યારે બધું સામાન્ય હતું. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે બપોરે અંદાજે 2થી 2:30 વાગ્યાની વચ્ચે નિયમિત ચેકિંગ દરમિયાન પ્લાન્ટની બહારના અલગ અલગ કનેક્શનમાં લગાવેલી સામગ્રી ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું.
પ્લાન્ટમાંથી કોપરની કુલ 10 પાઈપ અને તેની સાથે જોડાયેલા પિત્તળના 10 વાલ્વ કાપીને કાઢી લેવામાં આવ્યા હતા. આ સામગ્રીની કુલ કિંમત રૂ.50 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટનાની જાણ નોડલ ઓફિસર અને હોસ્પિટલના મેટ્રનને કરવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ છતાં સામગ્રી અંગે કોઈ માહિતી મળી નહોતી. ફરિયાદના આધારે જેતપુર સિટી પોલીસે અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
