જેતપુરમાં સેકન્ડ હેન્ડ કારના સોદામાં ઓટોબ્રોકર સાથે રૂ.80 હજારની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ ઉનામાં રહેતા દલાલે રૂ.30 હજારનું ટોકન ચૂકવી કાર મેળવી હતી, પરંતુ બાકીની રકમ ચૂકવી નહોતી. ત્યારબાદ આ કાર જૂનાગઢના એક બ્રોકરને વેચી નાખ્યાનો પણ આરોપ છે.
આ મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ઉનાના હિતેનભારતી રાજેશભારતી ગૌસ્વામી અને જૂનાગઢના રફીક મુલતાની સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ જેતપુરના ધોરાજી રોડ પર રહેતા અને કણકીયા પ્લોટ વિસ્તારમાં ‘શ્રીજી ઓટો’ નામે વાહનોની લે-વેચનો વ્યવસાય કરતા વિમલભાઈ દુર્લભજીભાઈ વેકરીયાએ નોંધાવી છે.
રૂ.1.10 લાખમાં થયો હતો કારનો સોદો
ફરિયાદ મુજબ વિમલભાઈ પાસે Honda City કાર વેચાણ માટે આવી હતી. કારની કિંમત રૂ.1.10 લાખ નક્કી થયા બાદ હિતેનભારતી ગૌસ્વામીએ રૂ.30 હજાર રોકડા ટોકન તરીકે આપ્યા હતા. બાકીના રૂ.80 હજાર 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ચૂકવી આપવાનું કહી તેણે કાર લઈ લીધી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 2 સપ્ટેમ્બર, 2026ના રોજ વેચાણ કરાર અને ડિલિવરી નોટ કરીને કાર સોંપવામાં આવી હતી. નક્કી કરેલી તારીખે બાકી રકમ માગવા માટે ફોન કરતાં હિતેનભારતી કથિત રીતે વાયદા કરવા લાગ્યો હતો અને ત્યાર બાદ પણ રૂ.80 હજાર ચૂકવ્યા નહોતા.
કાર જૂનાગઢના બ્રોકરને વેચ્યાનો આરોપ
વધુમાં ફરિયાદીનો આરોપ છે કે હિતેનભારતીએ આ કાર પોતાના સંપર્કના જૂનાગઢના દલાલ રફીક મુલતાનીને વેચી નાખી હતી. વિમલભાઈએ રફીકને ફોન કરીને કાર અંગેની બાકી રકમની જાણ કરી હતી. જોકે, ફરિયાદ મુજબ રફીકે કાર હિતેન પાસેથી ખરીદ્યાનું કહી આગળની વાતચીત કરી નહોતી.
આ રીતે કાર મેળવી બાકી રકમ ન ચૂકવવા અને કાર અન્ય વ્યક્તિને વેચી નાખવાના આરોપસર બંને સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
