જામનગરના શિવમ રેસીડેન્સી વિસ્તારમાં પિતા સાથેના ઝઘડા બાદ પુત્રએ 112 પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે પિતાને પોલીસ સ્ટેશન લઈ જઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, શિવમ રેસીડેન્સીના ફ્લેટ નંબર 203માં રહેતા 26 વર્ષીય સાગર ઉમેદભાઈ લખીયરના પિતા ઉમેદભાઈ વલ્લભભાઈ લખીયર 7 ઓક્ટોબરની સાંજે તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. સાંજે આશરે 5:26 વાગ્યે સાગરે 112 પર ફોન કર્યો હતો. જાણ મળતાં જનરક્ષક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલે પોતાની ઓળખ આપ્યા બાદ ઉમેદભાઈને પોલીસ વાહનમાં બેસાડી સ્ટેશન લઈ ગયા હતા.

પોલીસ સ્ટેશનમાં પંચોની હાજરીમાં કરાયેલા નિરીક્ષણ દરમિયાન ઉમેદભાઈ નશામાં હોવાનું જણાયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેમની જીભ થોથરાતી હતી, આંખો લાલચોળ હતી અને હલનચલન વખતે તેઓ શરીરનું સંતુલન જાળવી શકતા નહોતા. પોલીસે તેમની પાસે કેફી પીણું પીધા બાદ જાહેરમાં નશાની હાલતમાં ફરવા માટેની પરમિટ હોય તો રજૂ કરવા કહ્યું હતું. તેમની પાસે આવી કોઈ પરમિટ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સાંજે 5:45થી 6:15 વાગ્યા સુધી પંચનામું કરવામાં આવ્યું હતું. તે પૂર્ણ થયા બાદ 6:15 વાગ્યે ઉમેદભાઈની ધરપકડ કરાઈ હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.