મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે જામનગરમાં નશાબંધી સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ‘નશામુક્ત ભારત–વ્યસનમુક્ત ગુજરાત’ના સંદેશ સાથે સાઇકલ યાત્રા યોજાઈ હતી.
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા ગાંધીભવન પાસેથી 2 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 8:30 કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ મહાનુભાવોએ લીલી ઝંડી આપી સાઇકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
મહાનુભાવોની હાજરીમાં યાત્રાનો પ્રારંભ
સાઇકલ યાત્રાને પર્યાવરણ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળી, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા અને મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ લીલી ઝંડી આપી હતી.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, ડેપ્યુટીમેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી અને દંડક પ્રવીણાબેન રૂપડીયા સહિતના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સપ્તાહ દરમિયાન જનજાગૃતિ કાર્યક્રમો
સાઇકલ યાત્રામાં વિવિધ વર્ગના લોકો જોડાયા હતા. યાત્રા દરમિયાન નશાથી દૂર રહેવા અને સમાજમાં નશાબંધી તથા વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
નશાબંધી સપ્તાહ દરમિયાન વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાવાના છે. કાર્યક્રમોનો હેતુ નાગરિકોને વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરવાનો અને સ્વચ્છ, સમૃદ્ધ તથા વ્યસનમુક્ત ગુજરાત માટે સામાજિક ભાગીદારી વધારવાનો છે.
