ગાંધી જયંતી, 2 ઓક્ટોબરના અવસરે જામનગર શહેરમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આયોજિત આ રેલીને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાએ શહેરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલીમાં NCC કેડેટ્સ ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સ્થાનિક જનપ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રેલીનો મુખ્ય હેતુ યુવા પેઢી અને સમાજમાં વ્યસનના નુકસાન અંગે જાગૃતિ લાવવાનો તેમજ નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પહોંચાડવાનો હતો.
યુવાનોને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ
રેલી દરમિયાન ‘વ્યસનને કહો ના, જિંદગીને કહો હા’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા યુવાનોને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા. નશામુક્ત ભારતના નિર્માણમાં યુવાનોની સક્રિય ભૂમિકા રહે અને સમાજમાં વ્યસન સામે જાગૃતિ વધે તે માટે રેલી યોજાઈ હતી.
રેલીમાં જોડાયેલા NCC કેડેટ્સ અને યુવાનો દ્વારા જાગૃતિ સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વ્યસનમુક્તિ સાથે સામાજિક જવાબદારી અને જાહેર જીવનમાં સ્વચ્છતાનું મહત્વ પણ રેખાંકિત કરવામાં આવ્યું હતું.
ગાંધી જયંતીએ સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ
ગાંધી જયંતીના પ્રસંગે મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે ગાંધીજીના સ્વચ્છતા અને સ્વદેશીના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની વાત પણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં નશામુક્તિ, સ્વચ્છતા અને સામાજિક જવાબદારી—આ ત્રણેય મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
