જામનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026ની કેટલીક જોગવાઈઓના વિરોધમાં વકીલોએ હડતાળ પાડી કોર્ટના કામકાજથી અળગા રહ્યા હતા. જામનગર બાર એસોસિએશનના સભ્યોએ એકજૂથ થઈને સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને વિધેયકમાં જરૂરી સુધારા કરવાની સરકાર સમક્ષ માંગ કરી હતી.
બાર એસોસિએશનનું કહેવું છે કે વિધેયકની કેટલીક જોગવાઈઓ વ્યવહારિક નથી. આ જ સ્વરૂપે વિધેયક કાયદો બનશે તો સામાન્ય નાગરિકો, કોર્ટમાં આવતા પક્ષકારો અને વકીલોને ભાડા સંબંધિત કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલીઓ પડી શકે છે. આ કારણસર નાગરિકો અને અસીલોના હિતને ધ્યાનમાં રાખીને સમયસર સુધારા કરવા માંગ કરવામાં આવી છે.
ભાડા વિવાદોની સત્તા અંગે વાંધો
જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવાએ જણાવ્યું હતું કે નવા રેન્ટ કાયદા હેઠળ ભાડા સંબંધિત વિવાદોના નિરાકરણની સત્તા રેવન્યૂ ઓથોરિટીને સોંપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયામાં લોકોને ભાડા સંબંધિત ન્યાય માટે રેવન્યૂ ઓથોરિટી સમક્ષ જવું પડશે, જ્યારે વકીલોનું માનવું છે કે આવા વિવાદોનો નિકાલ ન્યાયિક અદાલતો દ્વારા થવો જોઈએ.
વકીલોએ રજૂઆત કરી હતી કે વહીવટી અધિકારીઓ સમક્ષ ન્યાયિક સ્વરૂપની કાર્યવાહી થતાં પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. તેથી ભાડા સંબંધિત કેસોમાં અંતિમ ન્યાયિક સત્તા અદાલતો પાસે જ રહેવી જોઈએ તેવી તેમની માંગ છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ વકીલ સંગઠનોએ આ જ મુદ્દે કોર્ટ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે.
કેસોમાં પ્રતિકૂળ કાર્યવાહી ન કરવા વિનંતી
હડતાળને કારણે કોર્ટની રોજિંદી કાર્યવાહી પર અસર પડી હતી. જોકે, કોઈ પક્ષકારના કેસને નુકસાન ન થાય તે માટે જામનગર બાર એસોસિએશને સંબંધિત કોર્ટો સમક્ષ રજૂઆત કરી હતી. વકીલો અને પક્ષકારોની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને કેસની હાલની સ્થિતિ જાળવી રાખવા વિનંતી કરવામાં આવી હતી.
એસોસિએશને કોર્ટોને એવી પણ અપીલ કરી હતી કે ગેરહાજર રહેલા વકીલ અથવા પક્ષકાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે. ખાસ કરીને બિનજામીનપાત્ર વોરંટ સહિતની કાર્યવાહી ટાળવા અને કેસની આગામી પ્રક્રિયા અંગે સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી હતી.
