ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 27થી 29 નવેમ્બર દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે જવાના છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં કવાંટ અને જેતપુર પાવી તાલુકાના આદિવાસી વિસ્તારોની મુલાકાત, સ્થાનિક લોકો સાથે સંવાદ અને વિકાસકાર્યોની સમીક્ષાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ મુજબ, 28 નવેમ્બરે કવાંટ સર્કિટ હાઉસના મેદાનમાં જનસુનાવણી યોજાશે, જ્યાં વેપારીઓ, યુવાનો અને ગ્રામજનો પોતાની રજૂઆતો કરી શકશે.

પ્રવાસના પહેલા દિવસે, 27 નવેમ્બરે, સંઘવી કવાંટમાં ડૉ. ભીમરાવ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર બાદ સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક રાખવામાં આવી છે. સાંજે આદિવાસી સમાજના લોકો સાથે પરંપરાગત ખાટલા બેઠક અને ભજન-ભોજનના કાર્યક્રમમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે.

કવાંટમાં જનસુનાવણી અને વહીવટી સમીક્ષા

બીજા દિવસે હાફેશ્વર મહાદેવ મંદિરે દર્શન બાદ હાફેશ્વર જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના રિસેપ્શન કાઉન્ટર અને રેવા ઇકો-ટુરિઝમ સ્થળની મુલાકાતનું આયોજન છે. સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા આદિવાસી યુવાનો સાથે સંવાદ પણ યોજાશે. કડીપાણી ખાતે GMDCમાં વહીવટી સમીક્ષા બેઠક રાખવામાં આવી છે. મોટી શીખલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભોજનનો કાર્યક્રમ પણ નિર્ધારિત છે.

જનસુનાવણીમાં વેપારી મંડળના પ્રતિનિધિઓ, આદિવાસી યુવાનો અને ગ્રામજનોને પોતાની વાત રજૂ કરવાની તક મળશે. પ્રવાસના અંતિમ દિવસે, 29 નવેમ્બરે, સંઘવી પાનવડ, પાણીબાર અને જેતપુર પાવીના વિસ્તારોમાં જશે. પાણીબારના રામ ટેકરી ખાતે મહિલાઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ અને કલારાણીની એકલવ્ય કોલેજમાં યુવાનો સાથે મુલાકાત રાખવામાં આવી છે. મુલધર કબીર મંદિરે દર્શન અને ધાર્મિક આગેવાનો સાથે મુલાકાત બાદ પ્રવાસ પૂર્ણ થવાનો છે.