અમેરિકા જવા નીકળેલા ગુજરાતના ત્રણ યુવક-યુવતી ઇથિયોપિયામાં લાપતા થયા હોવાની ઘટના સામે આવી છે. પરિવારોનો દાવો છે કે તેમની મુક્તિ માટે કુલ રૂ.1 કરોડની ખંડણી માગવામાં આવી હતી. ખંડણીની રકમ ચૂકવ્યા બાદ પણ ત્રણેયનો સંપર્ક થઈ શક્યો નથી.
મળતી માહિતી મુજબ, મહેસાણાનો 23 વર્ષીય ઋત્વિક જનસરી અને અમદાવાદમાં રહેતી 30 વર્ષીય મમતા ચાવડા સહિત ત્રણ લોકો 20 સપ્ટેમ્બરે ગુજરાતથી રવાના થયા હતા. તેઓ જયપુર અને અબુધાબી થઈને ઇથિયોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા. ત્યાં તેઓ GSF ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગેસ્ટ હાઉસમાં રોકાણ દરમિયાન એજન્ટો દ્વારા તેમને લઈ જવામાં આવ્યા બાદ સંપર્ક તૂટી ગયો હતો. આ જ માર્ગે ગયેલા અન્ય એક યુવકના પરિવારજનોએ રૂ.70 લાખ ચૂકવ્યા બાદ તે યુવક ગુજરાત પરત ફર્યો હોવાની માહિતી પણ સામે આવી છે.
ઘટનાને પગલે પરિવારો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે વિદેશ મોકલવાના એજન્ટો અને સંભવિત માનવ તસ્કરીના કનેક્શન અંગે તપાસ હાથ ધરાઈ છે.
