ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી છે. જોકે, હવામાન વિભાગે 26થી 30 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તથા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

26થી 28 સપ્ટેમ્બર સુધીની આગાહી

26 સપ્ટેમ્બરે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

28 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ તથા દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહી શકે છે.

29 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી

29 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 30 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દીવ અને અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના મોડલો મુજબ 1 ઑક્ટોબરે પણ બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ઉપરાંત કચ્છ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. 1થી 5 ઑક્ટોબર દરમિયાન પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સર્જાનારા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થવાની શક્યતા છે. આ સમયગાળામાં છૂટોછવાયો તથા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, આગાહીમાં ફેરફાર શક્ય હોવાનું જણાવાયું છે.