ગુજરાતમાં નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લેવાની શક્યતા છે.

ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં સૂકા પવનો ફૂંકાવા લાગ્યા છે. ભારત હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ માટે કોઈ હવામાન ચેતવણી જાહેર કરી નથી. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ અથવા અન્ય ગંભીર હવામાનની કોઈ આગાહી નોંધાઈ નથી.

ઓક્ટોબર 10થી 13 દરમિયાન હવામાનમાં ફેરફારની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ ઓક્ટોબર 10થી 13 દરમિયાન ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તેના કારણે ક્યાંક વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અથવા છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

જોકે, હાલની આગાહી મુજબ આ હવામાન પ્રણાલીને કારણે રાજ્યમાં વ્યાપક કે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી. એટલે નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની શક્યતા છે.

ચોમાસાની સત્તાવાર વિદાય માટે વરસાદમાં સતત ઘટાડો, હવામાં ભેજનું ઓછું પ્રમાણ અને નીચલા સ્તરે પ્રતિચક્રવાતી પવનો જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આ પરિબળો આધારે સ્થિતિનું મૂલ્યાંકન ચાલુ રહેશે.