ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયગાળામાં રાજ્ય માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
દક્ષિણ ગુજરાતમાં વધુ સંભાવના
28થી 30 સપ્ટેમ્બર દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ઝાપટાં
30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં છૂટાછવાયો વરસાદ શક્ય છે. આ સમયગાળામાં કચ્છમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.
1થી 2 ઓક્ટોબર દરમિયાન જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બીજી તરફ, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો, દીવ અને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની આગાહી છે.
