ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફરી ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે રાજ્યમાં વ્યાપક અથવા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર નજીક સક્રિય થતી સિસ્ટમને કારણે દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે. તેની ગુજરાત પર મર્યાદિત અસર રહેવાની શક્યતા છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગળ વધીને મ્યાનમાર તરફ ગઈ હોવાથી તે નબળી પડી છે. તેથી ગુજરાતમાં તેની અસર મોટા પ્રમાણમાં થવાની શક્યતા ઓછી છે.

30 સપ્ટેમ્બરે ક્યાં વરસાદની શક્યતા?

30 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર-સોમનાથ, કચ્છ અને દીવમાં પણ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

1 ઑક્ટોબરે સ્થિતિ કેવી રહેશે?

1 ઑક્ટોબરે બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અન્ય જિલ્લાઓમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની શક્યતા છે.

2 ઑક્ટોબરથી હવામાન સૂકું રહેવાની આગાહી

હવામાન વિભાગે 2, 3 અને 4 ઑક્ટોબરે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. એટલે આગામી બે દિવસ પછી વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે.

ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે. વિભાગની માહિતી અનુસાર વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધૌલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પાસેથી પસાર થઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી વરસાદ છૂટોછવાયો અને મર્યાદિત રહેવાની શક્યતા છે.