ગુજરાત હાઇકોર્ટમાં રખડતા શ્વાનના ખસીકરણ અને રસીકરણ અંગેની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા અધૂરા હોવાનું સામે આવ્યું. છેલ્લા છ મહિનાની કામગીરીની વિગતો રાજ્યના 34માંથી માત્ર 17 જિલ્લાની રજૂ થઈ હતી. બાકીના 17 જિલ્લાની માહિતી ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો અરજદાર પક્ષે ઉઠાવ્યો હતો.
અરજદાર વતી હાજર વકીલ મેધા જાનીએ જણાવ્યું કે કોર્ટ સમક્ષ કોર્પોરેશનો પાસેથી મળેલા આંકડા જ રજૂ થયા છે. શ્વાનની વસ્તી નિયંત્રણ માટે સરકાર શું પગલાં લઈ રહી છે, તેની સ્પષ્ટતા પણ માગવામાં આવી હતી. હાઇકોર્ટે શ્વાનને અપાતી રસીનો પ્રકાર, તેને બનાવતી કંપની અને તેની સંભવિત આડઅસર અંગે વિગતો આપવા કહ્યું.
ABC કેન્દ્રોના અભાવે જિલ્લાવાર નોંધમાં ખામી
સરકારની રજૂઆત મુજબ, કેટલાક જિલ્લાઓમાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC) કેન્દ્રો નથી. તેથી ત્યાં થયેલા ખસીકરણનો સીધો જિલ્લાવાર હિસાબ ઉપલબ્ધ નથી. સરકારે કહ્યું કે વડોદરામાં ખસીકરણ માટેની સુવિધા હોવાથી આસપાસના જિલ્લાઓમાંથી શ્વાનને ત્યાં લાવવામાં આવ્યા હતા. આ કારણે કેટલાક જિલ્લાની નોંધ શૂન્ય દેખાય છે; સરકારનો દાવો હતો કે તેનો અર્થ એ નથી કે ત્યાં કામગીરી થઈ જ નથી.
રાજ્ય સરકારે કોર્ટને એમ પણ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશના અનુસંધાને ગુજરાતની 79,150 સરકારી અને જાહેર સંસ્થાઓમાં તપાસ તથા કામગીરી હાથ ધરાઈ છે. તેમાં શાળાઓ, આંગણવાડીઓ, હોસ્પિટલો, બસ ડેપો અને ગ્રામ પંચાયત કચેરીઓનો સમાવેશ થાય છે. કામગીરીના સંકલન માટે 6થી 7 વધારાના નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ હોવાનું પણ સરકારે જણાવ્યું.
સરકારના દાવા મુજબ, 114 શૈક્ષણિક સંસ્થાઓને રખડતા શ્વાનથી મુક્ત કરાઈ છે અને નિયમિત તપાસ ચાલુ છે. આ વિગતો પણ સરકારની કોર્ટમાં કરેલી રજૂઆતનો ભાગ છે. તમામ જિલ્લાનો બાકી ડેટા એકત્ર કરવા સરકારે વધુ સમય માગ્યો છે. હાઇકોર્ટમાં આ મામલે આગામી અઠવાડિયે ફરી સુનાવણી થવાની છે.
