ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા રાજ્યના ST બસ સ્ટેશનો પર મુસાફરો માટે સ્વચ્છ અને આધુનિક સુવિધાઓ ઊભી કરવા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ 56 બસ સ્ટેશનોના શૌચાલય બ્લોકનું સમારકામ અને અપગ્રેડેશન કરવામાં આવશે.

સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 6 બસ સ્ટેશનોમાં કામગીરી પૂર્ણ થઈ છે. તેમાં સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ધસા બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. અન્ય 17 બસ સ્ટેશનોમાં હાલમાં કામ ચાલી રહ્યું છે, જ્યારે બાકીના 33 સ્ટેશનો પર આગામી 8થી 12 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની યોજના છે.

શૌચાલય બ્લોકમાં કયા કામ થશે

અભિયાન હેઠળ શૌચાલય બ્લોકમાં પ્લમ્બિંગનું સમારકામ, જૂના યુરિનલ અને WC પેનને નવા સાધનોથી બદલવા, બારીઓ અને દરવાજા બદલવા, ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન, ડ્રેનેજ સિસ્ટમ અને રંગરોગાન સહિતનાં કામ હાથ ધરાશે.

મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્થળ પ્રમાણે અંદાજે 25 યુરિનલ, 20 સામાન્ય WC અને આશરે 25 મહિલા WC ઉમેરવાની પણ યોજના છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા લોકો, મહિલા મુસાફરો અને વરિષ્ઠ નાગરિકોને સ્વચ્છ અને ઉપયોગી સુવિધા મળી રહે તે અભિયાનનો મુખ્ય હેતુ છે.

QR કોડથી ફરિયાદ નોંધાવવાની સુવિધા

બસ સ્ટેશનો પર માળખાકીય સુવિધા અથવા સ્વચ્છતા સંબંધિત ફરિયાદો ઝડપથી નોંધાવી શકાય તે માટે QR કોડ આધારિત ‘મુસાફિર સેવા સેતુ’ એપ્લિકેશન શરૂ કરવાની યોજના છે. મુસાફરો આ વ્યવસ્થા દ્વારા વાસ્તવિક સમયમાં ફરિયાદ નોંધાવી શકશે.

અગાઉ કરવામાં આવેલા સર્વેના આધારે GSRTCએ ‘બસ સ્ટેશન બેઝિક ફેસિલિટી અપગ્રેડેશન પ્લાન’ તૈયાર કર્યો હતો. આ યોજનાના ભાગરૂપે શૌચાલયોની હાલની સ્થિતિ સુધારવા તથા મુસાફરો માટે વધુ સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ ઊભું કરવા કામગીરી હાથ ધરાઈ છે.